
પુણે: છેલ્લા ઘણા મહિનાઓથી દેશના અલગ અલગ વિસ્તારમાં આવેલી મસ્જીદોની જગ્યાએ અગાઉ મંદિર હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં આવા વિવાદને કારણે થયેલી હિંસામાં ચાર યુવકોના પણ મોત થયા હતાં. એવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે (Mohan Bhagvat) આવા દવાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ આવા મુદ્દાઓ ઉઠાવીને હિંદુઓના નેતા બની શકે છે. તેમણે કહ્યું કે આવા નવા વિવાદો સ્વીકાર્ય નથી.
બધા સાથે મળીને રહે:
એક સભામાં નિવેદન આપતા મોહન ભાગવતે સર્વસમાવેશક સમાજની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે આપણે દુનિયાને બતાવવાની જરૂર છે કે દેશમાં લોકો સુમેળ સાથે રહી શકે છે. રામકૃષ્ણ મિશનમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે. આ ફક્ત આપણે જ કરી શકીએ છીએ કારણ કે આપણે હિંદુ છીએ. આપણે લાંબા સમયથી સુમેળ સાથે રહીએ છીએ. જો આપણે વિશ્વને આ સદ્ભાવના પ્રદાન કરવા માંગીએ છીએ, તો આપણે તેને મોડેલ તરીકે રજુ કરવાની જરૂર છે
નવા વિવાદો સ્વીકાર્ય નથી:
કાર્યક્રમ દરમિયાન ભાગવતે કહ્યું કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે પરંતુ આ કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી.
આ પણ વાંચો…CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું? લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટમાં મહત્વના ખુલાસા
મોહન ભાગવતે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ એટલા માટે થયું કે તે તમામ હિંદુઓની આસ્થાનો વિષય છે. તેમણે કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે દરરોજ એક નવા કેસનો વિવાદ ઊભો થઈ રહ્યો છે. આને કેવી રીતે સ્વીકારી શકાય! ભારતે બતાવવાની જરૂર છે કે આપણે સુમેળ સાથે રહી શકીએ છીએ.
કેટલાક લોકો કટ્ટરતા લાવ્યા:
કોઈ પણ સમુદાયનું નામ લીધા વગર ભાગવતે કહ્યું કે બહારથી કેટલાક જૂથો તેમની સાથે કટ્ટરતા લાવ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનું જુનું શાસન પરત આવે. તેમણે કહ્યું કે હવે દેશ બંધારણ પ્રમાણે ચાલે છે. આ સિસ્ટમમાં લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે છે, જેઓ સરકાર ચલાવે છે. આધિપત્યના દિવસો ગયા.