મોદીનો અસલી પરિવાર દેશને લૂંટી રહ્યો છે: રાહુલ ગાંધીએ સરકાર પર તાક્યું નિશાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર'(Modi ka parivar) ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના મોટાભાગના પ્રધાનોએ X પર પોતાના પ્રોફાઈલ નેમની આગળ ‘મોદી કા પરિવાર’ લખ્યું છે. ભાજપના આ અભિયાન સામે ‘મોદી કા અસલી પરિવાર’(Modi ka asli parivar) ટ્રેન્ડ શરુ કર્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર પોસ્ટર લગાવીને કહ્યું કે પુંજીપતિઓ, હિંસાખોરો, લુંટારા, હત્યારા અને બળાત્કારીઓ મોદીનો અસલી પરિવાર છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું કે, “ખેડૂતો દેવાદાર છે, યુવાનો બેરોજગાર છે, શ્રમિકો લાચાર છે! અને મોદીનો ‘અસલી પરિવાર’ દેશને લૂંટી રહ્યો છે.’
રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદો અજય મિશ્રા ટેની અને બ્રિજભૂષણ શરણ સિંહ વડાપ્રધાન મોદીના ‘અસલ પરિવાર’ છે. તેમણે લખ્યું કે ખેડૂતોની હત્યા, મહિલાઓ પર અત્યાચાર, આ છે મોદીનો અસલી પરિવાર!
કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે લખ્યું કે શું મણિપુરની મહિલાઓનું ‘મોદી કા પરિવાર’માં સ્થાન છે? શું પીએમ દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતાનો પરિવાર કહેશે? રોજેરોજ આત્મહત્યા કરવા મજબૂર બેરોજગાર યુવાનોનું શું – પીએમ તેમને પોતાનો પરિવાર કેમ નહીં કહે? વાસ્તવિકતા એ છે કે, આ સરકાર માત્ર PMના મિત્રો માટે જ કામ કરે છે, જઘન્ય ગુનાઓના આરોપીઓને રક્ષણ આપે છે અને એવા નેતાઓને સામેલ કરે છે જેમને તેઓ પોતે ભ્રષ્ટ તરીકે લેબલ કરે છે.
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવે એક જાહેર સભામાં કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી પાસે પરિવાર નથી તો અમે શું કરી શકીએ. તે રામ મંદિરની બડાઈ મારતા રહે છે. તેઓ સાચા હિંદુ પણ નથી. હિંદુ પરંપરામાં માતા-પિતાના મૃત્યુ પછી પુત્રએ માથું અને દાઢી મુંડાવી જોઈએ. જ્યારે પીએમ મોદીની માતાનું અવસાન થયું ત્યારે તેમણે આવું નહોતું કર્યું.
RLDના પ્રવક્તાએ કાંચના યાદવે લખ્યું કે બેરોજગારી, મોંઘવારી, મૂડીવાદીઓ, ગુનેગારો, હેટ સ્પીચ, હિંસા અને કોમવાદ આ મોદીનો પરિવાર છે.