મોદીની કલમનો કરિશ્મા ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ ગ્રેમી એવોર્ડ માટે થયું નોમિનેટ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે મળીને લખવામાં આવેલું ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને ગ્રેમી અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીતને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ પહેલી વાર છે જ્યારે કોઇ રાજકારણીના ગીતને ગ્રેમી નોમિનેશન મળ્યું હોય. મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૩માં જાહેર કરાયેલ ઈન્ટરનેશનલ મિલેટ યર એટલે કે મિલેટ્સના વર્ષના અભિયાનને સમર્પિત આ ગીતને ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહે સ્વર આપ્યો છે. મિલેટ યર અભિયાનને વેગ આપવા માટે લખાયેલ અને ગાયેલું ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ આ વર્ષે ૧૬ જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું. હાલમાં તેનો અન્ય ભાષાઓમાં અનુવાદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વિશ્ર્વભરમાં ફાલુ તરીકે જાણીતી સિંગર ફાલ્ગુની શાહ સંગીતના ક્ષેત્રમાં અગાઉ ગ્રેમી અવોર્ડ જીતી ચૂકી છે. હવે તેણે બાજરી માટે જાગૃતિ લાવવાના હેતુથી આ ગીત લખ્યું છે.
ફાલ્ગુની જણાવે છે કે જ્યારે તે ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી, ત્યારે તેણે પીએમ મોદી સાથે સંગીતની ચર્ચા કરી હતી. વડા પ્રધાને તેને બરછટ અનાજ પર ગીત લખવાનું સૂચન કર્યું, ત્યારે તેની વિનંતી પર વડા પ્રધાન પોતે આ ગીત રચવામાં સામેલ થયા હતા. આ ગીતમાં લોકો ફાલ્ગુની શાહ, તેના પતિ ગૌરવ શાહ ઉપરાંત વડા પ્રધાન મોદીનો અવાજ પણ સાંભળી શકે છે.