તમિળનાડુને ₹ ૨૦,૧૪૦ કરોડના વિકાસ કાર્યની મોદીની ભેટ
તિરુચિરાપલ્લી: વડા પ્રધાન મોદીએ મંગળવારે તમિળનાડુને રૂ. ૨૦,૧૪૦ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે તેમનું લોકાર્પણ અને અન્ય કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. અહીંના આંતરરાષ્ટ્રીય ટર્મિનલની નવી ઇમારતનું મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. નવી ઈમારત રૂ. ૧,૧૦૦ કરોડમાં બની છે જે ૩,૫૦૦ પ્રવાસીઓને એક સાથે સમાવી શકે છે અને વાર્ષિક ક્ષમતા ૪૪ લાખ પ્રવાસીઓની છે. ચેન્નઈના કામરાજાર પોર્ટના જનરલ કાર્ગો બર્થ-દ્વિતીયનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પેટ્રોલિયમ અને નેચરલ ગૅસના પ્રોજેક્ટસનો શિલાન્યાસ કર્યો હતો. એરપોર્ટ, સી-પોર્ટ, રેલવે, હાઈવે, પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ, એટમિક એનર્જી અને હાયર એજ્યુકેશનના ૨૦ પ્રોજેક્ટનો પ્રોજેક્ટના સ્ટેટ્સ અનુસાર શિલાન્યાસ અથવા લોકાર્પણ કર્યું હતું.
તિરુચિરાપલ્લી એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ સાથેની કનેકક્ટિવીટી સુદૃઢ કરશે અને રોકાણ, વેપાર-ધંધા, શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન માટે નવી તકોનું સર્જન કરશે. નવું ટર્મિનલ તમિળનાડુની સંસ્કૃતિ અને વારસાથી વિશ્ર્વને પરિચિત કરાવશે તે અંગે વડા પ્રધાને સંતોષ વ્યક્ત કર્યો હતો.
નવા રેલવે પ્રોજેક્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે અને વીજળી ઉત્પાદનમાં યોગદાન આપશે તેવું વડા પ્રધાને કહ્યું હતું. ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળો જેમ કે શ્રીરંગમ, ચિદમ્બરમ, રામેશ્ર્વરમ અને વેલ્લોરને જોડવામાં રોડ પ્રોજેક્ટ્સ ઉપયોગી નીવડશે. તિરુચિરાપલ્લી – માનામદુરાઈ – વિરુદુનગર રેલવે લાઈનનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન મોદીએ મંગળવારે લક્ષદ્વીપની મુલાકાત પણ લીધી હતી. અગાટ્ટીમાં આઈસપ્લાન્ટ ચાલુ કરાયો છે તે સીફૂડ પ્રોસેસિંગમાં ઉપયોગી નીવડશે તેવું વડા પ્રધાને કહ્યું હતું. વડા પ્રધાન મોદીએ લક્ષદ્વીપમાં રાત્રિ રોકાણ કર્યું હતું.