મોદી આજે મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ કાર્યો લોન્ચ કરશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રમાં ૮૬ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા અને રૂ. ૭,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાના હેતુથી મહારાષ્ટ્રમાં એક યોજના શરૂ કરશે અને પછી ૩૭ મી રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન માટે ગોવા જશે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મોદી શિરડીમાં પ્રખ્યાત શ્રી સાંઈબાબા મંદિરમાં પ્રાર્થના કરીને તેમના મહારાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે અને તેના નવા “દર્શન કતાર
સંકુલનું ઉદ્ઘાટન કરશે. શિરડી ખાતેનું નવું “દર્શન કતાર સંકુલ એક અત્યાધુનિક મેગા બિલ્ડિંગ છે જે ભક્તો માટે આરામદાયક પ્રતીક્ષા વિસ્તાર પ્રદાન કરશે . તે ૧૦,૦૦૦ થી વધુ ભક્તોની બેઠક ક્ષમતા સાથે અનેક વેઇટિંગ હોલથી સજ્જ છે. ઑક્ટોબર, ૨૦૧૮માં વડા પ્રધાન દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
તેઓ નિલવંડે ડેમનું “જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે અને બાદમાં રેલ, માર્ગ અને તેલ અને ગેસ, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. ૭,૫૦૦ કરોડના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સાથે શિરડીમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.
૮૫ કિમીના નહેર નેટવર્કથી ૧૮૨ ગામોને પાણીના પાઈપ વિતરણ નેટવર્કની સુવિધાથી ફાયદો થશે. નિલવંડે ડેમનો વિચાર સૌપ્રથમ ૧૯૭૦માં આવ્યો હતો. તે લગભગ રૂ. ૫,૧૭૭ કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
જાહેર કાર્યક્રમ દરમિયાન મોદી “નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના લોન્ચ કરશે. તે મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૮૬ લાખથી વધુ લાભાર્થીઓને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની વધારાની રકમ આપીને લાભ કરશે.
તેઓ અહમદનગર સિવિલ હૉસ્પિટલમાં આયુષ હૉસ્પિટલ, કુર્દુવાડી-લાતુર રોડ રેલવે સેક્શન (૧૮૬ કિમી), નેશનલ હાઇવે -૧૬૬ (પેકેજ-૧) ના સાંગલીથી બોરગાંવ સેક્શનને ચાર-માર્ગીય બનાવવા અને મનમાડ ટર્મિનલ ખાતે વધારાની સુવિધાઓ સહિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના અન્ય પ્રોજેક્ટ્સ સાથે બહુવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે.
ગોવામાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સ ૨૬ ઑક્ટોબરથી નવ નવેમ્બર દરમિયાન યોજાશે અને ૧૦,૦૦૦થી વધુ એથ્લેટ ૨૮ સ્થળો પર ૪૩ થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે. (પીટીઆઈ)
શુક્રવારે ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી: ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની સૌથી મોટી ટેલિકોમ ઉદ્યોગ ઇવેન્ટ, ‘ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ ૨૦૨૩’ ની ૭મી આવૃત્તિનું ઉદ્ઘાટન
કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આ ત્રણ દિવસીય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ ઇવેન્ટમાં ૧,૦૦,૦૦૦થી વધુ સહભાગીઓ, ૧,૩૦૦થી વધુ પ્રતિનિધિઓ, ૪૦૦થી વધુ સ્પીકર્સ, ૨૨૫થી વધુ પ્રદર્શકો અને ૪૦૦ સ્ટાર્ટઅપ્સ ભાગ લે એવી અપેક્ષા છે. કુલ મળીને ૩૧ દેશોની ભાગીદારી હશે.
ઉપરાંત, આ વર્ષે ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસ ’એસ્પાયર’, એક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ રજૂ કરશે, જે ટેલિકોમ અને અન્ય ડિજિટલ ડોમેન્સમાં યુવા સંશોધકો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે ઉદ્યોગસાહસિક વૃદ્ધિના ભાવિને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકશે. (પીટીઆઈ)