મોદી આજે મહારાષ્ટ્રમાં ૫૧૧ કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભાજપના ભૂતપૂર્વ નેતા પ્રમોદ મહાજનના નામે મહારાષ્ટ્રમાં ૫૧૧ કૌશલ્ય વિકાસ કેન્દ્ર ગુરુવારે શરૂ કરશે. વડા પ્રધાનના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ૩૪ ગ્રામીણ જિલ્લામાં આ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા યુવાનોને રોજગારની તક પૂરી પાડવા વિવિધ જગ્યાઓએ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગામનું આયોજન કરવામાં આવશે.
પ્રત્યેક કેન્દ્રમાં ઓછામાં ઓછા બે વોકેશનલ કોર્સમાં અંદાજે ૧૦૦ જેટલા
યુવાનોને તાલીમ આપવામાં આવશે.
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ હેઠળની એજન્સીઓ અને પેનલ પરના ઔદ્યોગિક ભાગીદારો દ્વારા આ યુવાનોને તાલીમ આપવામાં આવશે.
વધુ સ્પર્ધાત્મક અને કાર્યકુશળ માનવબળ ઊભું કરવાની દિશામાં હરણફાળ ભરવામાં આ લોકો મદદ કરશે.
પ્રમોદ મહાજન ભાજપના એક અગ્રણી નેતા હતા અને ૫૬ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી ઑક્ટોબરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરસ્થિત સિંધિયા સ્કૂલના ૧૨૫મા સ્થાપના દિનના કાર્યક્રમમાં ભાગ લેશે.
ગ્વાલિયર ફોર્ટમાં આવેલી આ સ્કૂલની સ્થાપના ૧૮૯૭માં સિંધિયા પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
કેન્દ્રના નાગરિકી ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા આ સ્કૂલના બૉર્ડ ઑફ ગવર્નસના પ્રમુખ છે.
અમે ભાગ્યશાળી છીએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી તેની શોભા વધારશે. તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢી વડા પ્રધાન આ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે તે બદલ અમે તેમના આભારી છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના અતિથિવિશેષ હશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)