નેશનલ

મોદી આજે અમદાવાદમાં સવા લાખ ખેડૂતોને સંબોધશે

ગુજરાતને ₹ ૪૮,૦૦૦ કરોડના વિકાસ કાર્યની ભેટ આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડા પ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ વડા પ્રધાન ગુજરાતને વધુ એક મહત્ત્વની ભેટ આપી રહ્યાં છે. ગુજરાતને રૂ. ૪૮,૦૦૦ કરોડના વિકાસ કાર્યની ભેટ આપશે.
વડા પ્રધાન તા. ૨૨મી ફેબ્રુઆરી એટલે કે ગુરુવારનાં રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણજયંતીની ઉજવણીમાં સહભાગી થશે. જીસીએમએમએફની સુવર્ણજયંતીની ઉજવણીમાં અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧.૨૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દૃઢ નિશ્ર્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.ત્યાર બાદ વડા પ્રધાન લગભગ ૧૨:૪૫ વાગ્યે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. વડા પ્રધાન બપોરે લગભગ ૧ વાગે મહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે, જ્યાં તેઓ રૂ. ૮,૩૫૦ કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાન સાંજે ૪:૧૫ વાગ્યે
નવસારી પહોંચશે, જ્યાં તેઓ દેશને આશરે રૂ. ૧૭,૫૦૦ કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યો સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને શુભારંભ કરાવશે. વડાપ્રધાન ગુરુવાર સાંજે ૬:૧૫ વાગ્યે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ દેશને સમર્પિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા અને નવસારી ખાતે આયોજિત બે જાહેર સમારંભોમાં વડા પ્રધાન રૂ. ૨૨,૮૫૦ કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સમાં ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, માહેસણા, કચ્છ, ખેડા, ભરૂચ, તાપી, વડોદરા, સુરત, નવસારી, પંચમહાલ, વલસાડ અને નર્મદા જેવા જિલ્લાઓમાં માર્ગ, રેલ, ઊર્જા, આરોગ્ય, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, શહેરી વિકાસ, પાણી પુરવઠો, પ્રવાસન વગેરે જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે. મહેસાણાના તરભમાં જાહેર સમારંભમાં વડા પ્રધાન ભારત નેટ ફેઝ-૨ – ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ સહિતનાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે, જે ૮૦૦૦થી વધારે ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે. મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં રેલવે લાઇન ડબલિંગ, ગેજ ક્ધવર્ઝન, નવી બ્રોડગેજ લાઇન માટે વિવિધ પ્રોજેક્ટ; ખેડા, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં બહુવિધ રોડ પ્રોજેક્ટ્સ; ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું મુખ્ય શૈક્ષણિક ભવન; બનાસકાંઠામાં પાણીપુરવઠાના અનેક પ્રોજેક્ટો વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન આણંદ જિલ્લામાં નવી જિલ્લા કક્ષાની હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ સહિત કેટલીક મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. બનાસકાંઠામાં અંબાજી વિસ્તારમાં રિછડિયા મહાદેવ મંદિર અને તળાવનો વિકાસ; ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા અને માહેસાણામાં બહુવિધ રોડ પ્રોજેક્ટ્સ; એરફોર્સ સ્ટેશનનો રન-વે, ડીસા; અમદાવાદમાં હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરી; ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું નવું બિલ્ડિંગ; ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં પાણીપુરવઠામાં સુધારો કરવા માટે વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે.

૫૫૦ અમૃત ભારત સ્ટેશનનો શિલાન્યાસ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ ફેબ્રુઆરીએ રેલવે સ્ટેશનમાં સુવિધા સુધારવા તથા રુફટોપ પ્લાઝા અને સિટી સેન્ટર વિકસાવવા ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૫૫૦ અમૃત ભારત સ્ટેશનનો સોમવારે શિલાન્યાસ કરશે. વડા પ્રધાન વિવિધ રાજ્યોના લગભગ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનો શિલાન્યાસ કરશે. અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે ઉદ્ઘાટન સમારોહ ૨૦૦૦ રેલવે સ્ટેશનમાં ઓનલાઈન યોજાશે. વડા પ્રધાન આ સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગની મારફતે જોડાશે. ભારતીય રેલવેએ ૪૦૦ શાળાઓમાં ‘૨૦૪૭-વિકસિત ભારત કી રેલવે’ થીમ પર પ્રવચન, નિબંધ અને કવિતા હરિફાઈનું આયોજન કર્યું હતું. આના ઈનામો ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને અપાશે. વિવિધ હરિફાઈઓમાં કુલ ચાર લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમારોહમાં આમાંથી ૫૦,૦૦૦ ઈનામોનું ડિવિઝનલ રેલવે મેનેજર અને રેલવેના વરિષ્ઠ મેનેજર વિતરણ કરશે.
ભારતીય રેલવેમાં સ્ટેશનના વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના લોન્ચ કરાઈ છે.
આમાં માસ્ટર પ્લાન ઘડીને
તેના તબક્કાવાર અમલનો સમાવેશ થાય છે જેથી સ્ટેશનની સુવિધાઓમાં સુધારો લાવી શકાય. આમાં સ્ટેશનમાં આવગમનની સુવિધા, સર્કયુલેટિંગ એરીયા, વેઈટિંગ હૉલ, ટોયલેટ, જરૂર પડે એમ લિફટ/એસ્કેલેટર, સ્વચ્છતા, મફત વાઈફાઈ, ‘એક સ્ટેશન, એક ઉત્પાદન’ યોજના હેઠળ સ્થાનિક ઉત્પાદકોની કિયોસ્ક અને પેસેન્જરને બહેતર માહિતી આપતી સિસ્ટમનો સમાવેશ થાય છે.
યોજનામાં સ્ટેશનમાં જરૂરિયાત પ્રમાણે એક્ઝિક્યુટિવ લોન્જ બાંધવાનો, બિઝનેસ મીટિંગ માટે નોમિનેટેડ સ્પેસ અને લેન્ડસ્કેપિંગનો પણ સમાવેશ થાય છે.
આમાં મકાનમાં સુધારા, શહેરની બન્ને બાજુ સાથે એકીકરણ, મલ્ટિમોડેલ ઈન્ટીગ્રેશન. દિવ્યાંગો માટે સુવિધા, બેલાસ્ટલેસ પાટાની જોગવાઈ, જરૂર પ્રમાણે રુફટોપ પ્લાઝા, લાંબા ગાળે સિટી સેન્ટરની વ્યવહારુતા ચકાસવી અને બાંધવાની સંકલ્પનાનો સમાવેશ થાય છે.
ફંડની ઉપલબ્ધતા અને હાલની સંપત્તિની હાલત જોઈને ટકાઉ અને પર્યાવરણનું જતન થાય એવા ઉકેલો તરફ વળવાનો હેતુ યોજનામાં છે. ઉતારુના આવાગમનને સરળ બનાવવા રોડને પહોળા કરવા, બિનજરૂરી માળખાને દૂર કરવા, યોગ્ય રીતે ડિઝાઈન કરેલા સાઈનેજ, પદયાત્રીઓને સમર્પિત પગદંડી, સુઆયોજિત પાર્કિંગ એરિયા અને સુધારેલી રોશનીનો પ્રસ્તાવ એમાં છે. સ્કીમમાં બધી કેટેગરીના સ્ટેશનમાં હાઈ લેવલ પ્લેટફોર્મ (૭૬૦-૮૪૦ મિલીમીટર)ની સંકલ્પના છે. સ્કીમ પ્રમાણે પ્લેટફોર્મની લંબાઈ સામાન્ય રીતે ૬૦૦ મીટર હોય છે. ઝોનલ રેલવે તરફથી મળેલા પ્રસ્તાવોના આધારે મોટા શહેરો અને નગરોમાં સ્થિત ૧૩૧૮ સ્ટેશનોની અમૃત ભારત સ્ટેશન યોજના માટે પસંદ કરાયા છે. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત