!["PM Narendra Modi addressing media during his US visit, with news on extradition of 26/11 accused Tahawwur Rana."](/wp-content/uploads/2025/02/pm-modi-us-visit-extradition-tahawwur-rana.webp)
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) મુંબઈના 26/11 આતંકી હુમલાના દોષિ તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી છે. તેમણે કહ્યું, ન્યાયનો સામનો કરવો પડશે. ગત મહિને અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. ભારતે અમેરિકાની એજન્સી સાથે વિગતો શેર કરી હતી. જે લૉઅર કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રાખવામાં આવી હતી. ભારતના આ પુરાવાનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. ભારત દ્વારા આપવામાં આવેલા પુરાવામાં 26/11 હુમલામાં તહવ્વુરના રોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તહવ્વુર રાણાની 26/11 મુંબઈ આતંકી હુમલામાં શું ભૂમિકા હતી
મુંબઈ પોલીસે 26/11 આતંકી હુમલા સંબંધે ચાર્જશીટમાં તહવ્વુર રાણાનું નામ સામેલ કર્યુ હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તથા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ હતો. ભારત તહવ્વુર રાણાના પ્રત્યર્પણની માંગ કરતું હતું. તે 2008માં મુંબઈ આતંકી હુમલામાં વૉન્ટેડ હતો.
તહવ્વુર રાણાનો ડેવિડ હેડલી સાથે શું છે સંબંધ
તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાની બાળપણના મિત્ર છે. હેડલી એક અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. અમેરિકન અધિકારીઓ દ્વારા ઓક્ટોબર 2009માં તેની શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી. હેડલીને અમેરિકન કોર્ટે 24 જાન્યુઆરી, 2013ના મુંબઈ હુમલામાં સામેલ હોવા માટે દોષી માનીને 35 વર્ષ જેલની સજા સંભળાવી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કૈડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હેડલીએ અમેરિકા શિફ્ટ થયો તે પહેલાં ત્યાં જ 5 વર્ષ અભ્યાસ કર્યો હતો. પાકિસ્તાની સેનામાં એક ડૉક્ટર તરીકે તેમના કાર્યકાળ બાદ તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થઈ ગયો હતો અને થોડા વર્ષોમાં ત્યાંનો જ નાગરિક બની ગયો હતો. તેણે શિકાગોમાં ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ નામની એક કન્સલટેંસી ફર્મની સ્થાપના કરી હતી. રાણાની કંપનીની એક બ્રાંચ મુંબઈમાં હતી, તેણે હેડલી કોલમેનને મુંબઈમાં રેકી કરવામાં મદદ કરી હતી અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીએ 26 નવેમ્બર, 2008ના રોજ નિશાન બનાવ્યું હતું.