મોદીએ ‘તેજસ’ યુદ્ધ વિમાનમાં સફર કરી
‘દેશ સંરક્ષણ ક્ષેત્રે ઝડપથી સ્વાવલંબી બની રહ્યો છે’
વડા પ્રધાનની ઉડાન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલોરમાં તેજસ વિમાનમાં ઉડાન ભરવાનો આનંદ માણ્યો હતો. (એજન્સી)
બેંગલૂરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘તેજસ’ વિમાનમાં ઉડ્ડયન કર્યું હતુંં અને જણાવ્યું હતું કે આ વિમાનમાં ઉડ્ડયન કરવાનો મારો અનુભવ અદ્ભુત રહ્યો હતો અને આ વિમાનોના નિર્માણથી દેશમાં સ્વદેશી ઍરક્રાફ્ટ્સના ઉત્પાદનને નવું જોમ મળ્યું છે અને દેશના સુરક્ષા દળોમાં વિશ્ર્વાસ વધ્યો છે.
મોદીએ સોશિયલ મીડિયા સાઇટ ‘એક્સ’ પર પોસ્ટ કર્યું હતું કે મેં ‘તેજસ’ વિમાનમાં સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું હતું. મને તેનું ગૌરવ છે.
તેમણે જણાવ્યું હતું કે આપણે સંરક્ષણ ક્ષેત્રે ઝડપથી સંપૂર્ણ સ્વાવલંબી બની રહ્યા છીએ. હું ભારતીય હવાઇદળ, ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન) અને એચએએલ (હિંદુસ્તાન ઍરૉનૉટિક્સ લિમિટેડ) તેમ જ સર્વ ભારતીયોને અભિનંદન આપું છું. મોદી આ શહેરમાં સવારે આવ્યા હતા અને સંરક્ષણ ક્ષેત્રના જાહેર ક્ષેત્રના ઉપક્રમ હિંદુસ્તાન ઍરૉનૉટિક્સ લિમિટેડની મુલાકાત લીધી હ
તી તેમ જ તેની ઉત્પાદન કામગીરીની જાણકારી મેળવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશીકરણ અને સ્વાવલંબી બનવા પર ભાર આપી રહ્યા છે તેમ જ સંરક્ષણ ક્ષેત્રે નિકાસ વધારવા પણ પ્રોત્સાહન આપે છે.
અનેક દેશે ‘તેજસ’ વિમાન ખરીદવામાં રસ દાખવ્યો છે અને અમેરિકાની સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની જીઇ ઍરૉસ્પેસે એમકે-ટૂ-તેજસ વિમાન માટેના એન્જિનના ઉત્પાદન માટે હિંદુસ્તાન ઍરૉનૉટિક્સ લિમિટેડ સાથે કરાર કર્યા હતા. મોદીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી હતી ત્યારે આ કરાર પર સહીસિક્કા થયા હતા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ચાલુ વર્ષના એપ્રિલમાં જાહેર થયેલા આંકડા મુજબ ૨૦૨૨-૨૦૨૩માં ભારતની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ સૌથી વધુ (રૂપિયા ૧૫,૯૨૦ કરોડ) થઇ હતી. દેશ માટે આ અનોખી નોંધપાત્ર સિદ્ધિ છે. (એજન્સી)