પ્રદેશ આધારિત આરક્ષણની કૉંગ્રેસની મંશા હું સફળ થવા દઈશ નહીં: મોદી

બાગલકોટ (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કૉંગ્રેસ પર વોટબેન્કની રાજનીતિ કરવાવ માટે પ્રદેશ આધારિત આરક્ષણ નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ આવું થવા દેશે નહીં.
તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસનો પ્રસ્તાવ લઘુમતીના તુષ્ટિકરણનો છે કેમ કે હવે એસસી/એસટી અને ઓબીસી સમાજ ભાજપની સાથે આવી ગયો છે.
કર્ણાટકમાં કૉંગ્રેસે ઝુંબેશ ચલાવી છે કે બંધારણને બદલીને એસસી/એસટી અને ઓબીસી સમાજના અધિકારો છીનવી લેવાની તૈયારી ચાલી રહી છે. આપણા બંધારણમાં પ્રાદેશિક ધોરણે આરક્ષણ આપવાાની પરવાનગી નથી, પરંતુ કર્ણાટક સરકારે ઓબીસી સમાજના આરક્ષણનો એક ભાગ મુસ્લિમોને આપી દીધો છે.
કૉંગ્રેસે આ પહેલાં પણ ધર્મને આધારે આરક્ષણ આપવાની વાત તેમના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી અને આ વખતે પણ તેઓ આવા સંકેત આપી રહ્યા છે.
હું મારા દલિત , એસસી/એસટી અને ઓબીસી ભાઈ અને બહેનોને કૉંગ્રેસના ઈરાદાઓથી સાવચેત કરવા માગું છું. આ લોકો ધર્મના આધારે આરક્ષણ આપીને તેમની વોટ બેન્ક સુરક્ષિત રાખવા માગે છે, પરંતુ બાબાસાહેબ આંબેડકર અને બંધારણ દ્વારા આપવામાં આવેલા તમારા અધિકારો છીનવી લેવા માગે છે.
હું ગેરેન્ટી આપવા માગું છું કે મારા દલિત, આદિવાસી અને ઓબીસી ભાઈઓ અને બહેનોને કે કૉંગ્રેસના આવા ઈરાદાઓને સફળ થવા દઈશ નહીં, તમારા અધિકારો અને આરક્ષણને સુરક્ષિત રાખવા માટે મોદી કોઈપણ હદ સુધી જશે. આ મારી તમને ખાતરી છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)