રામ મંદિર: વડા પ્રધાન મોદીના રોડ શો પહેલા મુખ્ય પ્રધાન યોગી આજે અયોધ્યા જશે
અયોધ્યા: સમગ્ર દેશનું ધ્યાન હાલ ઉત્તર પ્રદેશના અયોધ્યા તરફ છે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એ પહેલા 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મુલાકાત જવાના છે, જેના ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ 28-29 ડિસેમ્બરે અયોધ્યા જશે. મુખ્ય પ્રધાન યોગી ગુરુવારે સવારે 11.30 વાગ્યે રામકથા પાર્ક પહોંચશે.
આ પહેલા તેઓ હનુમાનગઢી ખાતે દર્શન અને પૂજા કરશે, શ્રી રામ લલ્લાના દર્શન કર્યા બાદ તેઓ શ્રી રામ જન્મભૂમિ મંદિરના કામનું નિરીક્ષણ કરશે. મુખ્ય પ્રધાન વડાપ્રધાનના રોડ શો, જાહેર સભા અને અન્ય કાર્યક્રમોની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.
વડાપ્રધાનના રોડ શો દરમિયાન ખાનગી હોસ્પિટલોને પણ એલર્ટ કરવામાં આવી છે. આ સાથે જ શહેરની બે મોટી ખાનગી હોસ્પિટલોની કેથ લેબ અને ઓટી રીઝર્વ રાખવામાં આવી છે. 30 ડિસેમ્બરે વડાપ્રધાન લગભગ 15 કિલોમીટરનો રોડ શો કરશે.
પીએમની મુલાકાત દરમિયાન કોરોના ટેસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે એરપોર્ટના મુખ્ય દ્વાર, અયોધ્યાધામ રેલવે સ્ટેશન અને પોલીસ લાઇન પર એક-એક બૂથ બનાવાશે અને એરપોર્ટની બાજુમાં સભા સ્થળે બે બૂથ બનાવાશે. એક-એક લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટને તૈનાત કરવામાં આવ્યા છે. એન્ટિજેન કીટ વડે શંકાસ્પદ દર્દીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો RTPCR ટેસ્ટ કરવામાં આવશે.