મોદી છે ત્યાં સુધી ધર્મને આધારે આરક્ષણ નહીં: નડ્ડા
વારાણસી (ઉત્તર પ્રદેશ): જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તામાં છે ત્યાં સુધી ધર્મને આધારે આરક્ષણ અમલમાં મૂકવા દેવામાં આવશે નહીં, એમ ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે કહ્યું હતું.
વિપક્ષી ગઠબંધન ધર્મને આધારે આરક્ષણ આપવાની વાત કરી રહ્યા છે, ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ધર્મને આધારે કોઈ આરક્ષણ આપી શકાય નહીં.
જ્યાં સુધી વડા પ્રધાન મોદી અને ભાજપ સત્તામાં છે ત્યાં સુધી આવું કોઈ આરક્ષણ આપવામાં આવશે નહીં, એમ તેમણે કહ્યું હતું.
અમે કોઈને બંધારણની સાથે ચેડાં કરવા દઈશું નહીં. અમારા દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગના લોકો અને અત્યંય પછાત વર્ગના લોકોના આરક્ષણને છીનવી લેવા દઈશું નહીં. વિપક્ષની હાલત શું થાય છે તે તમે ચોથી જૂને જોઈ શકશો, એમ નડ્ડાએ વારાણસીમાં પત્રકારોને કહ્યું હતું.
બૌદ્ધિકોની એક બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે લાંબા સમયથી રાજકારણની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રહી છે, પરંતુ હવે વિકાસનું રાજકારણ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : મમતા દીદીએ બંગાળને શું બનાવી દીધું ? રવીન્દ્ર સંગીતની બદલે મળી રહ્યા છે બોમ્બ અને પિસ્તોલ : જે. પી. નડ્ડા
10 વર્ષ પહેલાં રાજકીય સ્થિતિ શું હતી? એમ પુછતાં નડ્ડાએ કહ્યું હતું કે ભારતની ગણતરી ભ્રષ્ટ દેશોમાં થતી હતી અને સૌથી મોટી સમસ્યા એ હતી કે સામાન્ય માણસ રાજકારણ પ્રત્યે ઉદાસીન બની ગયો હતો. તેનો વિશ્ર્વાસ તૂટી ગયો હતો.
આ બધું લોકશાહીને માટે અત્યંત જોખમી બની ગયું હતું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં વડા પ્રધાન મોદીએ સામાન્ય માનવીમાં દેશના વિકાસ માટેનો વિશ્ર્વાસ પેદા કર્યો છે, એમ તેમણે કહ્યું હતું.
આ પહેલાં વિપક્ષ જાતીવાદમાં વહેંચાયેલું હતું અને તેમણે ધર્મ અને જાતીના નામે વિભાજન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ આવી રીતરસમોને મોટો ઝટકો આપ્યો છે. આજે વિકાસનું રાજકારણ થઈ રહ્યું છે. સબ કા સાથ, સબ કા પ્રયાસ ઔર સબ કા વિશ્ર્વાસ હવે પાયાનો સિદ્ધાંત બન્યો છે, એમ તેમણે કહ્યું હતું.
હું જ્યારે વારાણસી આવું છું ત્યારે કાળભૈરવ મંદિર, સંકટમોચન અને કાશી વિશ્ર્વનાથ મંદિરે પગે લાગવા જાઉં છું, કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે કાશી એક ધાર્મિક શહેર છે. આ શહેર સનાતન ધર્મને આગળ લઈ જવા માટેનું સ્થાન છે. મને અહીંથી નવી ઊર્જા મળે છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)