નેશનલ

મોદી: આજે અયોધ્યામાં નવા એરપોર્ટ, સ્ટેશનનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: વડા પ્રધાન મોદી શનિવારે અત્રે નવા એરપોર્ટ, પુનર્વિકસિત સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને અમૃત ભારત ટ્રેન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. મોદીના સ્વાગત માટે અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને રામ પથ પર લાઇટના કલાત્મક થાંભલાને ગલગોટાના હારથી શણગારવામાં આવ્યા હતા. રામકથા પાર્કમાં ફૂલોને વિવિધ કલાત્મક આકારમાં ગોઠવવા દેશના વિવિધ ભાગોથી આવેલા સેંકડો કારીગરો વ્યસ્ત હતા.
ભગવાન રામના જીવનના પ્રસંગો આધારિત થીમ પરથી શણગારવામાં આવેલા શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વડા પ્રધાન શનિવારે ઉદ્ઘાટન કરશે. અહીંના સીતાપુર રોડથી એરપોર્ટ પર જતા માર્ગ પર વડા પ્રધાન મોદીનું સ્વાગત કરતા સંદેશ લખેલાં પોસ્ટરો ગોઠવવામાં આવ્યાં હતાં.

સવારે ૧૧-૧૫ કલાકે વડા પ્રધાન પુનર્વિકસિત અયોધ્યા ધામ સ્ટેશનનું લોકાર્પણ કરશે. નવી અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.

લગભગ બપોરે ૧૨-૧૫ કલાકે વડા પ્રધાન અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. બપોર પછી વડા પ્રધાન એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે અને રૂ. ૧૫,૭૦૦ કરોડ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
અયોધ્યા ધામ જંકશનમાં ફૂડ પ્લાઝા, એસ્કેલેટર, લિફ્ટ, ટૂરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, શિશુ દેખભાળ કક્ષ, એસી રિટાઈરિંગ રૂમ, ક્લોકરૂમ સહિત તમામ સુવિધાઓ મળશે. વડા પ્રધાન મોદી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન, અયોધ્યાથી આનંદવિહાર, દિલ્હી-કટરા, અમૃતસર-દિલ્હી, કોઈમ્બતૂર-બેંગલૂરુ, મેંગ્લોર-મડગાંવ અને જાલના-મુંબઈને જોડનારી છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.

અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુપર ફાસ્ટ ટ્રેન છે જેમાં એસી કોચ નથી અને જેની ટિકિટના દર ઓછા છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી આધુનિક વાસ્તુકળામાં મંદિરનાં તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનનો કેન્દ્રીય ગુંબજ ભગવાન રામના મુગટની ચારે તરફ એક ચક્ર સાથે બનાવવામાં આવ્યો છે જે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૩૦ ડિસેમ્બરની અયોધ્યા મુલાકાત દરમિયાન નેશનલ સિક્યુરિટી ગાર્ડસ (એનએસજી)ના કમાન્ડોની ચાર ટીમો સાથે ૫૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

વડા પ્રધાનનું વિમાન સવારે ૧૦-૪૫ વાગ્યે અયોધ્યા એરપોર્ટે પહોંચશે અને લગભગ ૨-૧૫ વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે. સીપીએમએફની છ કંપનીઓ મંદિરના નગરમાં પહોંચી ગઇ છે. ડીજીપી હેડક્વાર્ટરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે ૨૦૦૦ જેટલા પોલીસ કોન્સ્ટેબલ જિલ્લામાં પહોંચશે. જ્યારે પીએસીની ૧૪ કંપનીઓ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ૧૭ પોલીસ અધિક્ષક, ૪૦ અધિક એસપી અને ૮૨ સર્કલ અધિકારીઓ સાથે ૯૦ ઇન્સ્પેક્ટર તૈનાત કરવામાં આવશે. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસની એક અલગ ટીમ તૈનાત કરવામાં આવશે. જેમાં ૭૫ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એસએસપી રાજ કરણ નય્યરના જણાવ્યા અનુસાર ૩ સુપર ઝોન અને ૧૪ ઝોન રચવામાં આવશે. જે તમામ ડીઆઇજી રેન્કના અધિકારીઓના નેતૃત્વમાં હશે. અધિકારીએ જણાવ્યું કે, અમે નદીની સુરક્ષા માટે એસડીઆરએફ અને પીએસીની અલગ સુરક્ષા પાંખ મૂકી છે. તેમજ તકેદારી રાખવા માટે એઆઇ આધારિત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.

મુંબઈ-જાલના વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વીડિયો લિંક દ્વારા જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પુન:નિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે
મોદી આઠ કોચની સેવાને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે.
તેઓ વિવિધ શહેરો વચ્ચે બે અમૃત ભારત અને અન્ય પાંચ વંદે ભારત સેવાઓને પણ ફ્લેગ ઓફ કરશે.
૦૨૭૦૫ જાલના-મુંબઈ વંદે ભારત ટ્રેન કામચલાઉ ધોરણે તેના ઉદ્ઘાટનમાં, મરાઠવાડા શહેરથી સવારે ૧૧ વાગ્યે ઊપડશે અને સાંજે ૬.૪૫ વાગ્યે મહાનગર મુંબઇમાં પહોંચશે.
ટ્રેન સવારે ૧૧.૫૫ વાગ્યે છત્રપતિ સંભાજીનગર (અગાઉનું ઔરંગાબાદ), ૧.૪૪ વાગ્યે મનમાડ જંક્શન, બપોરે ૨.૪૪ વાગ્યે નાસિક રોડ, ૫.૦૬ વાગ્યે કલ્યાણ જંક્શન, સાંજે ૫.૨૮ વાગ્યે થાણે અને સાંજે ૫.૫૦ વાગ્યે દાદરમાં થોભશે અને ત્યાંથી સીએસએમટી જશે.
આ સ્ટેશનો પર સંસદ સભ્યો, ધારાસભ્યો, પ્રધાનો, શાળાના બાળકો અને સામાન્ય લોકો ટ્રેનનું સ્વાગત કરશે. તે મહારાષ્ટ્રની ૭મી વંદે ભારત સેવા છે, જેમાંથી છ સેન્ટ્રલ રેલવે નેટવર્ક પર સંચાલિત છે. મુંબઈથી ચાલનારી આ પાંચમી વંદે ભારત સેવા હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત