હોશિયારપુરમાં મોદીએ ગુરુ રવિદાસને યાદ કર્યા, ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા ગણાવી
હોશિયારપુર: દાયકાઓ પછી હવે કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીની સરકારનો સમય આવી ગયો છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુરુ રવિદાસને યાદ કર્યા હતા અને ઉમેર્યું હતું કે તેઓ ગરીબોના કલ્યાણ માટે કામ કરવા માટેની પ્રેરણા સમાન છે.
પંજાબના હોશિયારપુરમાં પ્રચાર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે દેશમાં છેલ્લા દસ વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ જોવા મળ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે સાતમા તબક્કાના ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તેમણે પ્રચાર રેલીને સંબોધી હતી.
ગરીબોનું કલ્યાણ એ મારી સરકારની ટોચની પ્રાથમિકતા છે અને આને માટેની સૌથી મોટી પ્રેરણા ગુરુ રવિદાસ છે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે મારી એવી ઈચ્છા છે કે જલંધર અને હોશિયારપુર બંનેને માટે ઉપયોગમાં લેવાતા આદમપુર એરપોર્ટને ગુરુ રવિદાસનું નામ આપવું.
આ પણ વાંચો :‘મોદીએ નફરતભર્યા શબ્દો ઉચ્ચારી વડાપ્રધાન પદની ગરિમા ઘટાડી’ મનમોહન સિંહમાં પ્રહાર
તેમણે 2024ની લોકસભા ચૂંટણીની છેલ્લી પ્રચાર રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે હોશિયારપુરને મીની કાશી અને ગુરુ રવિદાસની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હું જ્યાંથી સંસદસભ્ય છું તે વારાણસીમાં ગુરુ રવિદાસનો જન્મ થયો હતો. આથી જ આ પવિત્ર ભૂમિ પર ચૂંટણી પ્રચારનું સમાપન કરવું એ મારા માટે ગૌરવની વાત છે.
કૉંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે આ લોકોએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગ્યા હતા અને તેમણે ક્યારેય લશ્કરની ચિંતા કરી નહોતી અને સરકારી તિજોરીઓ ખાલી કરી નાખી હતી.
કૉંગ્રેસે ભ્રષ્ટાચારમાં ડબલ પીએચડી કરી છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.
તેમણે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે ઉદ્યોગો અને ખેતીને ખતમ કરી નાખી છે.
દરેક ભારતીય વિકસિત ભારતના સપના સાથે અત્યારે જોડાયેલો છે અને અમને આશીર્વાદ આપી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે પંજાબની 13 લોકસભા બેઠકો પર સાતમા અને છેલ્લા તબક્કામાં પહેલી જૂને મતદાન થવાનું છે. (પીટીઆઈ)