મોદી સરકાર અબજોપતિઓ માટે કામ કરે છે, પટનાયક સરકાર પસંદગીના લોકો માટે: રાહુલ ગાંધી
કટક (કર્ણાટક): કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાંથી પોતાની સરકાર ફક્ત અબજોપતિઓ માટે ચલાવે છે, જ્યારે મુખ્ય પ્રધાન નવીન પટનાયક ઓરિસામાં પસંદગીના લોકો માટે સરકાર ચલાવે છે.
કટકના સાલેપુરમાં એક રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે બીજેડી અને ભાજપ એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા હોવા છતાં વાસ્તવમાં તેઓ સાથે મળીને લડી રહ્યા છે.
આને પાર્ટનરશીપ અથવા તો લગન કહો, બંને બીજેડી અને ભાજપ ભેગા જ છે, એમ તેમણે કહ્યું હતું.
પટનાયકની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન હોવા છતાં રાજ્યની બીજેડીની સરકાર તેમના સહકારી વી. કે. પાંડિયન ચલાવી રહ્યા છે.
તેમમે કહ્યું હતું કે અંકલ-જી અને નવીન-બાબુએ ઓરિસાને પીએએએનએન-પાન આપ્યું છે, જેનો અર્થ થાય છે પાંડિયન, અમિત શાહ, નરેન્દ્ર મોદી અને નવીન પટનાયક. તેમણે તમારી સંપત્તિ લૂંટી છે.
રૂ. 9 લાખ કરોડની લૂંટ ખાણ કૌભાંડમાં થઈ હતી. રૂ. 20,000 કરોડની લૂંટ લેન્ડ ગ્રેબિંગના માધ્યમથી થઈ છે. પ્લાન્ટેશન કૌભાંડ રૂ. 15,000 કરોડનું હતું. અહીં અને દિલ્હીમાં જેવી કૉંગ્રેસની સરકાર આવશે કે તરત જ અમે તમને તમારા નાણાં પાછા આપવાનું ચાલુ કરી દઈશું, એમ તેમણે કહ્યું હતું.
રાહુલે એવો દાવો કર્યો હતો કે આવી જ રીતે તેલંગણામાં બીઆરએસ ભાજપની સાથે મળીને કામ કરતું હતું અને તેમની પાર્ટીએ સત્તામાંથી આ લોકોની હકાલપટ્ટી કરી હતી.
નવીન-બાબુએ તમને પાંડિયન આપ્યા છે, હું તમને કહું છું કે કૉંગ્રેસ તમને શું આપશે. અમે કેન્દ્રમાં સત્તામાં આવશું તો પાંચ ક્રાંતીકારી કામ કરીશું. ગરીબ પરિવારોની એક યાદી તૈયાર કરીશું અને દરેક મહિલાને તેમના ખાતામાં વાર્ષિક રૂ. એક લાખ આપવામાં આવશે, એટલે કે દર મહિને રૂ. 8,500. અમે પહેલી નૌકરી પક્કી યોજના લાવીને બધા જ ડિગ્રી-ડિપ્લોમા ધારી બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ એક વર્ષ માટે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સરકારી હોસ્પિટલો અને કચેરીઓમાં આપીશું. ઓરિસામાં કૉંગ્રેસની સરકાર આવશે તો મહિલાને રૂ. 2000 દરમહિને આપવામાં આવશે, બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 3,000 આપવામાં આવશે. 200 યુનિટ સુધીની વીજળી મફતમાં આપવામાં આવશે અને એલપીજી સિલિન્ડર ફક્ત રૂ. 500માં આપવામાં આવશે.
અંકલ-જી ફક્ત 22 કરોડપતિઓ માટે કામ કરે છે, જ્યારે કૉંંગ્રેસ રાજ્યમાં કરોડો લખપતિઓ તૈયાર કરશે એમ પણ તેમણે કહ્યું હતું.