મોદી સરકારની પહેલ: વૃદ્ધોનું જીવનધોરણ સુધારવાનો પ્રયાસ
વરિષ્ઠ નાગરિકો માટે ઊંચા વ્યાજદર, સસ્તી રહેઠાણ યોજનાની ભલામણ
નવી દિલ્હી: રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા – નિતિ' આયોગ)એ વૃદ્ધોની સ્થિર આવક ચાલુ રહે તે માટે તેઓનો ઊંચો અને ચોક્કસ વ્યાજદર જાળવી રાખવાની, સસ્તી રહેઠાણ યોજનાની અને કરવેરામાંના સુધારાની ભલામણ કરી હતી.
નિતિ’ આયોગે સિનિયર કેર રિફોર્મ્સ ઇન ઇન્ડિયા - રિઇમેજિનિંગ ધ સિનિયર કેર પેરાડિગમ'ના મથાળા હેઠળના અહેવાલમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને બધી સુવિધા સરળતાથી પૂરી પાડવા માટે એક નવું ખાસ પોર્ટલ તૈયાર થવું જોઇએ. ભારતમાં 2050 સુધીમાં કુલ વસતિના 19.5 ટકા વરિષ્ઠ નાગરિકો હશે. અહેવાલમાં જણાવાયું હતું કે દેશમાં હાલમાં સામાજિક સુરક્ષા સીમિત છે. મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો પોતાની આજીવન બચત પરના વ્યાજથી ગુજરાન ચલાવે છે. વ્યાજદરમાં થતાં ઘટાડાથી વૃદ્ધોની આવકમાં મોટો ઘટાડો થાય છે અને તેથી તેઓની ચોક્કસ આવક ચાલુ રહે, તે માટે વરિષ્ઠ નાગરિકોની બચત પરનો ચોક્કસ ઊંચો વ્યાજદર ફેરફાર વિના ચાલુ રાખવો જોઇએ. તેણે જણાવ્યું હતું કે વૃદ્ધાઓને વધુ ક્નસેશન (રાહત) આપવાથી તેઓની આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
નિતિ’ આયોગે જણાવ્યું હતું કે વૃદ્ધોને કરવેરા અને જીએસટીમાં વધુ રાહત આપવી જોઇએ. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકોના વપરાશની ચીજો પરના કરવેરા ઘટાડીને કે નાબૂદ કરીને તેઓની આર્થિક સ્થિતિ સારી રાખવા બનતા દરેક પ્રયાસ કરવા જોઇએ.
અહેવાલમાં જણાવાયું હતું કે ભારતમાં પણ હવે લોકો વધુ વર્ષો જીવતા હોવાથી દેશમાં વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે અને અનેક વરિષ્ઠ નાગરિકો લાંબા સમય ચાલે એવી બીમારીથી પીડાય છે. તેઓને આર્થિક રાહત માટે સરકારે બનતા દરેક પ્રયાસ કરવા જોઇએ. (એજન્સી)