Top Newsનેશનલ

Union Budget: મુસ્લિમો પર મહેરબાન મોદી સરકાર? જાણો કેટલા કરોડની કરી ફાળવણી

નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ આજે રજૂ થયું હતું. બજેટમાં યુવાઓ અને મહિલાઓની સાથે સાથે લઘુમતીઓ પર પણ સરકાર મહેરબાન થઈ હતી. કેન્દ્રીય નાણા પ્રધાને લઘુમતી કાર્ય મંત્રાલયના બજેટમાં કોઈ ઘટાડો નહીં પરંતુ તેમાં વધારો કર્યો હતો.

મોદી સરકારે કેન્દ્રીય બજેટમાં આ વખતે લઘુમતી મંત્રાલય માટે કુલ ₹ 3,400 કરોડની ફાળવણી કરી છે. જે ગત બજેટમાં ₹ 3395.62 કરોડ હતું. આ રીતે ગત વર્ષની તુલનામાં ₹ 4.38 કરોડ વધારે છે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ લઘુમતી મંત્રાલયનું બજેટ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય લઘુમતી મંત્રાલયનું જે બજેટ વધ્યું છે તેમાં કેન્દ્રીય યોજના માટે પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાકીની યોજનાઓ અને સ્કીમમાં ગત વર્ષની જેમ જ ફાળવણી કરવામાં આવી છે.

નાણા પ્રધાને લઘુમતી બાબતોના મંત્રાલય માટે આ વર્ષના બજેટમાં ₹ 3,400 કરોડની ફાળવણી કરી છે. જેમાં મંત્રાલયની મુખ્ય સ્કીમ માટે કુલ ₹ 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત લઘુમતી મંત્રાલયના મુખ્ય કાર્યક્રમો પૈકીના એક પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ માટે પણ આ વખતે ₹ 1197.97 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી વર્ષોવર્ષ બજેટમાં વધારો જોવા મળ્યો છે. 2026માં લઘુમતી કાર્ય મંત્રાલયને ₹ 3,400 કરોડ ફાળવવામાં આવ્યા છે. 2025માં આ રકમ ₹3,395.63 કરોડ હતી. 2024માં લઘુમતી સમુદાયના શિક્ષણ અને સશક્તિકરણ માટે ₹3,183.24 કરોડ ફાળવવામાં આવ્યા હતા. 2023-24માં શરૂઆતમાં ₹3,097.60 કરોડનો પ્રસ્તાવ હતો, જે સુધારિત બજેટમાં ₹2,608.93 કરોડ થયો હતો.

મનમોહન અને મોદી સરકારમાંથી કોણે કેટલું બજેટ આપ્યું?

મનમોહન સરકારની તુલનામાં મોદી સરકારમાં લઘુમતી મંત્રાલયના બજેટમાં વધારો થયો છે. જોકે, 2014માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકાર લઘુમતી સમુદાય પર જે રીતે મહેરબાન જણાતી હતી, તેમાં હવે થોડો ઘટાડો દેખાઈ રહ્યો છે. યુપીએ સરકાર સાથે સરખામણી કરીએ તો લઘુમતી મંત્રાલયના બજેટમાં આશરે એક હજાર કરોડનો વધારો જોવા મળ્યો છે. 2014થી 2026 સુધીના ગાળામાં મોદી સરકારના બજેટમાં સતત વૃદ્ધિ રહી છે.

જોકે, નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારે એવી અટકળો હતી કે કેન્દ્ર સરકાર લઘુમતી મંત્રાલય જ ખતમ કરી દેશે, પરંતુ મોદી સરકારે એવું કર્યું નહીં. એટલું જ નહીં, લઘુમતીઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી મળતું બજેટ બીજા કાર્યકાળ સુધી દર વર્ષે વધતું રહ્યું છે.

મોદી સરકાર તેના પહેલા કાર્યકાળ (2014થી 2019) દરમિયાન લઘુમતીઓ પર વિશેષ મહેરબાન જોવા મળી હતી. એવું લાગતું હતું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર કરતા પણ વધુ ખજાનો લઘુમતીઓના વિકાસ માટે ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ બીજા અને ત્રીજા કાર્યકાળમાં તેને બહુ ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. આ બાબતનો પુરાવો બજેટમાં લઘુમતી મંત્રાલયને મળતી ફાળવણી પરથી સમજી શકાય છે.

મુસ્લિમો/લઘુમતીઓ માટે ક્યારે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું?

લઘુમતી સમુદાયના વિકાસ માટે અલગ ‘લઘુમતી કાર્ય મંત્રાલય’ની રચના મનમોહન સરકારના પ્રથમ કાર્યકાળમાં વર્ષ 2006માં કરવામાં આવી હતી. મનમોહન સરકાર (UPA) તત્કાલીન યુપીએ સરકારે 2006માં પ્રથમ વખત લઘુમતી કલ્યાણ માટે ₹143 કરોડ ફાળવ્યા હતા. ત્યારબાદ બજેટમાં સતત વધારો થયો હતો. 2009-10માં ₹740 કરોડ, 2010-11માં ₹760 કરોડ, 2011-12માં ₹330 કરોડ અને 2012-13માં ₹305 કરોડનો વધારો કરવામાં આવ્યો હતો. મનમોહન સરકારના છેલ્લા બજેટ (2013-14) માં આ રકમ ₹3,511 કરોડ હતી.

મોદી સરકારનો પ્રથમ કાર્યકાળ – 2014-2019

2014-15: એવી અટકળો હતી કે મોદી સરકાર આ મંત્રાલય પર ધ્યાન નહીં આપે, પરંતુ પીએમ મોદીએ ‘સબકા સાથ, સબકા વિકાસ’ મંત્ર હેઠળ ₹ 3,711 કરોડ ફાળવ્યા, જે મનમોહન સરકાર કરતા ₹ 200 કરોડ વધુ હતા. 2015-16માં નજીવો વધારો કરીને ₹3,712.78 કરોડ ફાળવવામાં આવ્યા હતા. 2016-17માં ₹88 કરોડના વધારા સાથે ₹3,800 કરોડની ફાળવણી થઈ હતી.

2017-18ના બજેટમાં ₹ 395 કરોડનો જંગી વધારો કરીને ₹ 4,194 કરોડ ફાળવવામાં આવ્યા. તત્કાલીન મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તેને ઇતિહાસનો સૌથી મોટો વધારો ગણાવ્યો હતો. 2018-19માં ₹ 505 કરોડના વધારા સાથે ₹ 4,700 કરોડ ફાળવ્યા હતા.

મોદી સરકારે બીજા કાર્યકાળના પ્રથમ બજેટ 2019-20માં લઘુમતી મંત્રાલયનું બજેટ વધારીને ₹5,029 કરોડ કર્યું હતું. 2020-21માં લઘુમતી મંત્રાલય માટે ફરીથી ₹5,029 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જે બાદ બજેટના કાપનો સિલસિલો શરૂ થયો હતો. 2022-23માં બજેટ ઘટાડીને ₹5,020 કરોડ કરાયું.

જોકે, આમાંથી માત્ર ₹ 2,612 કરોડ જ ખર્ચાઈ શક્યા હતા. 2023-24: બીજા કાર્યકાળના છેલ્લા પૂર્ણ બજેટમાં ભારે કાપ મૂકાયો અને રકમ ઘટાડીને ₹3,097 કરોડ કરી દેવામાં આવી હતી. જે અગાઉ કરતા ₹ 1,923 કરોડ ઓછી હતી. 2024-25ના બજેટમાં ₹3,183.24 કરોડની જોગવાઈ કરાઈ હતી, જે ગયા વર્ષ કરતા ₹574 કરોડ વધુ હોવા છતાં 2014થી 2022ના સ્તર કરતા ઘણી ઓછી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button