ઑગસ્ટ સુધી જ ચાલશે મોદી સરકાર, જાણો કોણે કર્યો આવો દાવો
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ હાલમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. એક સમારોહમાં લાલુ પ્રસાદે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર ઘણી નબળી છે. આ સરકાર આ વર્ષે ઓગસ્ટ સુધી જ ચાલશે. હું પાર્ટીના તમામ કાર્યકરોને તૈયાર રહેવાની અપીલ કરું છું, કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. દિલ્હીમાં મોદી સરકાર ઘણી નબળી છે અને તે ઓગસ્ટ સુધીમાં પડી શકે છે.
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના 28મા સ્થાપના દિવસ નિમિત્તે આરજેડી કાર્યાલયમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના અધ્યક્ષ લાલુ પ્રસાદ આદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. સ્થાપના દિવસ નિમિત્તે લાલુ અને તેજસ્વી યાદવને ચાંદીનો મુગટ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 28માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં લાલુ પ્રસાદે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
આ પણ વાંચો : BJP એ 23 રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી, Vijay Rupani ને પંજાબની જવાબદારી યથાવત
આ સમારોહમાં તેજસ્વી યાદવે તેના પિતાનું સમર્થન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાંચ વર્ષ સુધી નહીં ચાલે. તેમણે દાવો કર્યો હતો કે નીતીશ કુમાર 2024 કે 2025માં વિધાનસભાની ચૂંટણી કરાવશે અને આરજેડી સરકાર બનાવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જો પક્ષના નેતાઓએ થોડી વધારે મહેનત કરી હોત તો તેઓ વધારે સીટ જીતી શક્યા હોત. 10-12 સીટ પર ભૂલોને કારણે તેમના પક્ષની હાર થઇ છે. ભાજપ અનામત વિરોધી પાર્ટી છે. ભાજપ સત્તામાં આવતાની સાથે જ 75 ટકા અનામત રોકવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ભાજપ બંધારણ અને અનામતની વિરુદ્ધમાં છે.
બિહારના ભ્રષ્ટાચાર મુદ્દે બોલતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. 15 દિવસમાં 12 પુલ ધરાશાયી થયા છે એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ જ છે. ગ્રામીણ બાંધકામ વિભાગ જેડીયુની સાથે છે. બિહારમાં સતત ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. બિહારમાં અપરાધની ઘટનાઓ સતત બની રહી છે. જે લોકોએ બેરોજગારી, ગરીબી, મોંઘવારી વધારી છે, જેમના કાર્યકાળમાં પુલ તૂટ્યો છે, તેઓને અમે સત્તામાં પાછા આવવા દઈશું નહીં.