
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતભરમાંથી ઉઠી રહી છે. આતંકવાદીઓને મદદ કરનાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી હાઈ લેવલ સિક્યોરિટી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે ત્રણેય સેનાને છૂટ આપી (PM Modi givs free hand to forces) છે.
અહેવાલ મુજબ વડાપ્રધાનને જણાવ્યું કે આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો એ અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે. વડાપ્રધાને ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીઝની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. વડાપ્રધાનને કહ્યું કે આર્મ્ડ ફોર્સીઝને બદલો લેવાની પદ્ધતિ, કયા સ્થાન પર હુમલો કરવો અને કયા સમયે હુમલો કરવો તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.
ત્રણેય પાંખના વડા સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદને જવાબ આપવાનો દૃઢ સંકલ્પ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સૈન્યની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ભારતીય સૈન્યની જવાબી કાર્યવાહીની પદ્ધતિ શું હશે તથા ટાર્ગેટ કોણ હશે અને એનો સમય પણ શું હશે એનો નિર્ણય આર્મી પર છોડવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, NSA અજિત ડોભાલ વડાપ્રધાન તથા ત્રણેય દળો આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતાં.
અમિત શાહ વડાપ્રધાનને મળવા પહોંચ્યા:
આ બેઠક પછી PMO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સેનાને કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ છૂટ આપવામાં આવશે. સેના પ્રમુખો સાથેની બેઠક સમાપ્ત થયાના થોડા સમય પછી, ગૃહ પ્રધાન અમિત શાહ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે દિલ્હીમાં સતત ઉચ્ચ સ્તરીય બેઠકોની ચાલી રહી છે. આજે બપોરે ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.