ચીન સાથેના સંબંધો મહત્વપૂર્ણ, સરહદ વિવાદ પર તાત્કાલિક ચર્ચા જરૂરીઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ અમેરિકાના એક જાણીતા મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ સાથે મળીને સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવી જોઇએ, જેથી વિવાદોનો કાયમી ઉકેલ આવી શકે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સકારાત્મક અને રચનાત્મક દ્વિપક્ષીય જોડાણ દ્વારા બંને દેશો સરહદ પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરી શકશે અને જાળવી શકશે.
મીડિયા હાઉસને આપેલી ખાસ મુલાકાતમાં પીએમ મોદીએ ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે તેમના નેતૃત્વમાં ભારતની આર્થિક પ્રગતિ, માળખાકીય સુવિધાઓના વિકાસ, પર્યાવરણીય મુદ્દાઓ, ચીન સાથેના ભારતના સંબંધો સહિત મુસ્લિમોને સાથે ન લેવા જેવા આક્ષેપોનો પણ જવાબ આપ્યો હતો.
આ મુલાકાતમાં પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે તેમની સરકાર પાસે વચનો પૂરા કરવાનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ છે. લોકો માટે આ બહુ મોટી વાત છે, કારણ કે તેઓ એવા વચનો સાંભળવાના ટેવાયેલા હતા જે ક્યારેય પૂરા થતા નથી. તેમની સરકારે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ” ના સૂત્ર સાથે કામ કર્યું છે.
લોકોને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકારના કાર્યક્રમોથી અન્ય કોઈને ફાયદો થયો હશે તો તે તેમના સુધી પણ પહોંચશે. લોકોએ જોયું છે કે ભારત 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી ગયું છે. ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જાય એવી દેશવાસીઓને આશા છે.