નવી દિલ્હી: રાજ્યસભામાં ઘણા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જે સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ છે. આજે ગુરુવારે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાય પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું હતું. આ દરમિયાન તેમણે રાજકીય મતભેદો બાજુમાં રાખીને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના યોગદાનનો ઉલ્લેખ કર્યો અને તેમની ભરપુર પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે જયારે પણ લોકશાહીની વાત થશે ત્યારે ડો. મનમોહન સિંહનું ઉલ્લેખ જરૂરથી થશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું, “હું ડૉ. મનમોહન સિંહજીને યાદ કરવા માંગુ છું. તેમણે આ ગૃહમાં છ વખત નેતા તરીકે અને વિપક્ષના નેતા તરીકે પણ યોગદાન આપ્યું છે. વૈચારિક મતભેદો અને વાદ-વિવાદમાં તકરાર ખૂબ જ અલ્પજીવી હોય છે. તેમણે આ ગૃહ અને દેશને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે પણ લોકશાહીની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનની ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.” વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘મને યાદ છે કે જ્યારે ગૃહમાં મતદાન દરમિયાન, શાસક પક્ષ જીતશે તે નિશ્ચિત હતું, તેમ છતાં ડૉ. મનમોહન સિંહ વ્હીલચેર પર ગૃહમાં આવ્યા અને પોતાનો મત આપ્યો. આ એક વ્યક્તિની પોતાની જવાબદારીઓ પ્રત્યે સતર્કતાનું ઉદાહરણ છે.
સવાલ એ નથી કે તેઓ કોને વોટ આપવા આવ્યા હતા. હું માનું છું કે તેઓ લોકશાહીને મજબૂત કરવા આવ્યા હતા.” વડા પ્રધાન મોદીએ કહ્યું કે, દર 2 વર્ષ બાદ આ ગૃહ (રાજ્યસભા)માં આ પ્રકારનો પ્રસંગ આવે છે, પરંતુ આ ગૃહ નિરંતરતાનું પ્રતિક છે. દર 5 વર્ષ બાદ લોકસભાને નવા રૂપમાં શણગારવામાં આવે છે. જ્યારે આ ગૃહને દર 2 વર્ષ પછી નવી જીવન શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે.
વડા પ્રધાને કહ્યું કે જે માનનીય સાંસદો જઈ રહ્યા છે તેઓને સંસદની જૂની અને નવી બંને ઇમારતોમાં રહેવાની તક મળી છે. આ તમામ મિત્રો આઝાદીના સુવર્ણકાળના નેતૃત્વના સાક્ષી બનીને વિદાય લઈ રહ્યા છે. કોવિડના કપરા સમયમાં આપણે બધાએ સંજોગોને સમજ્યા અને સંજોગોને અનુરૂપ પોતાની જાતને સ્વીકારી લીધી. કોઈપણ પક્ષના કોઈ સાંસદે દેશના કામને અટકાવવા દીધું નહીં.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના બ્લેક પેપર અભિયાન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું, દેશ છેલ્લા 10 વર્ષથી સમૃદ્ધિની નવી ઉંચાઈઓને સ્પર્શી રહ્યો છે, જેથી તેના પર કોઈની નજર ના લાગે, તેના માટે કાળો ટીકો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હું આ માટે ખડગે જીનો આભાર માનું છું.
નોંધનીય છે લે કોંગ્રેસે આજે મોદી સરકારના શાસનમાં અર્થવ્યવસ્થાના હિસાબ અંગે બ્લેક પેપર બહાર પાડ્યું હતું.
જેનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઇ રહ્યો છે એ 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 56 સીટોમાંથી સૌથી વધુ 10 સીટો ઉત્તર પ્રદેશની છે. આ સિવાય મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6 સીટો છે. જ્યારે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 5-5 સીટો છે. 27મી ફેબ્રુઆરીએ કર્ણાટક અને ગુજરાતની 4-4 રાજ્યસભા બેઠકો પર પણ મતદાન થશે. આ સિવાય તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશામાં 3-3 સીટો પર મતદાન થશે. આ સિવાય છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલમાં 1-1 સીટ પર મતદાન થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને