નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર થયા પછી રવિવારે નરેન્દ્ર મોદીની આગેવા્ની હેઠળ એનડીએ ગઠબંધન દ્વારા સરકાર ગઠન કરવામાં આવી. વડા પ્રધાનના પદેથી નરેન્દ્ર મોદીએ શપથ લીધાના 24 કલાક પછી આજે પહેલી કેબિનેટની બેઠકમાં પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી. નવી સરકારમાં વડા પ્રધાન મોદી સહિત 71 પ્રધાનોએ શપથ લીધા હતા. 30 કેબિનેટ પ્રધાન સહિત પાંચ સ્વતંત્ર હવાલા અને 36 રાજ્ય કક્ષાના પ્રધાનનો સમાવેશ થાય છે. મોદી કેબિનેટની પહેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય પોતાના હસ્તકે રાખ્યા છે.
મોદીની કેબિનેટમાં અમિત શાહને ફરી ગૃહ મંત્રાલયનું ખાતું આપ્યું છે, જ્યારે રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપી છે. નીતિન ગડકરીને પણ ફરીથી રોડ પરિવહન મંત્રાલય સોંપ્યું છે. તો બીજી બાજુ અજય ટમ્ટા, હર્ષ મલ્હોત્રાને રોડ પરિવહનના રાજ્ય કક્ષાના પ્રધાન બનાવ્યા છે.
દરમિયાન રામવિલાસ પાસવાનની એલજીપીના પ્રમુખ ચિરાગ પાસવાનને રમતગમત ખાતાના પ્રધાન બનાવ્યા છે, જ્યારે હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને બે મંત્રાલય આપ્યા છે. ખટ્ટર આવાસ અને ઊર્જા મંત્રાલય આપ્યા છે. શ્રીપદ નાઈક ઊર્જા રાજ્યમંત્રી બનાવ્યા છે. તોખમ સાહુને હોમ રાજ્ય કક્ષાના પ્રધાન હશે.
આ પણ વાંચો :Modi 3.0: કેબિનેટમાં સ્થાન નહીં મળતા Ajit Pawar પર સુપ્રિયા સુળેએ નિશાન સાધ્યું
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પંચાયત અને ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન બનાવ્યા છે, જ્યારે અશ્વિની વૈષ્ણવને રેલવે અને આઈટી મંત્રાલય સોંપ્યું છે.
પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, નિર્મલા સિતારમણ, લલન સિંહ જીતન રામ માંઝી, શિવરાજ સિંહ ચૌહાણ, ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.