મોદી 3.0ઃ અઢારમી લોકસભાના પ્રથમ દિવસ કંઇક આવો હતો….

નવી દિલ્હીઃ સોમવારે 18મી લોકસભાના પ્રથમ દિવસ એટલે કે સાંસદના શપથ ગ્રહણનો દિવસ હતો, જે શાંતિપૂર્વક પાર પડ્યો હતો.
પીએમ મોદી જ્યારે સંસદમાં પ્રવેશ્યા ત્યારે ભાજપના સાંસદોએ પૂરા ઉત્સાહ અને સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી પીએમ મોદી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. બીજા છેડે વિપક્ષી એકતાની ઝલક જોવા મળી હતી. અઢારમી લોકસભાના પ્રથમ દિવસનું આ સૌથી ખાસ દ્રશ્ય હતું. વિપક્ષમાં પ્રથમ હરોળમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી નજીકમાં બેઠા હતા. દરમિયાન બંને પક્ષમાં હાવભાવમાં હુમલાઓ અને વળતા હુમલાઓ ચુપચાપ ચાલુ હતા.
આ પણ વાંચો : ‘લોકોને એક જવાબદાર વિપક્ષની આશા છે…’ જાણો વડા પ્રધાન મોદીએ સંસદ સત્ર પહેલા શું કહ્યું
મોદી ગૃહમાં દાખલ થયા બાદ વિપક્ષે થોડી હિલચાલ કરી, પણ પીએમ મોદીએ લાંબા સમય હસતા રહ્યા હતા. હકીકતમાં રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો બંધારણની નકલ લઈને સંસદમાં પહોંચ્યા હતા અને શપથ ગ્રહણ દરમિયાન સત્તાધારી પક્ષના સાંસદોને વારંવાર બંધારણની નકલ બતાવી રહ્યા હતા. એનડીએ સત્તા પર આવશે તો બંધારણમાં છેડછાડ કરશે અને લોકોના હક્ક પર તરાપ મારશે, જેવા નારાઓ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આ હથિયારથી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
અગાઉ, ભર્તૃહરિ મહતાબે રાષ્ટ્રપતિ ભવનમાં ગૃહના સભ્ય અને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. આ પહેલા પીએમ મોદીએ સંસદને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતા અપેક્ષા રાખે છે કે વિપક્ષ સંસદની ગરિમા જાળવે અને ‘તાણ, નાટક, નારાબાજી અને વિક્ષેપ’ નહીં. તેમણે કહ્યું કે દેશને એક સારા અને જવાબદાર વિપક્ષની જરૂર છે. તેમણે બધા સાંસદોને આ સત્રનો ઉપયોગ જનહિતમાં કરવા કહ્યું હતું.