નેશનલ

મોબાઈલ ફોન નંબર ડિસ્કનેક્ટ કર્યા બાદ ૯૦ દિવસ નહિ અપાય

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (ટ્રાઈ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્રાહકોની વિનંતીને પગલે મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કે ડિઍક્ટિવેટ કરવામાં આવ્યા બાદ એ નંબર નવા ગ્રાહકને ૯૦ દિવસ સુધી નહિ અપાય.

વપરાશમાં ન લેવાતા હોય તેવા મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કે ડિઍક્ટિવેટ કરવામાં આવ્યા બાદ ડૅટાના કથિત દૂરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતી અરજીની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.
ટ્રાઈ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાને ધ્યાન પર લેનાર ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસવીએન ભટ્ટીની બનેલી ખંડપીઠે એ બાબતની નોંધ લીધી હતી કે ગ્રાહક તેના અગાઉના મોબાઈલ નંબર પરનું વૉટ્સઍપ અકાઉન્ટ ડિલિટ કરી તેમ જ ક્લાઉડ કે ડ્રાઈવમાં સ્ટોર કરેલી લોકલ ડિવાઈસ મેમરી ઈરેઝ કરીને વૉટ્સઍપના ડૅટાનો દૂરુપયોગ અટકાવી શકે છે.

વર્તમાન અરજીની સુનાવણીમાં અમે આગળ વધવા નથી માગતા કેમ કે ટ્રાઈ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ગ્રાહકોની વિનંતીને પગલે એકવાર મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કે ડિઍક્ટિવેટ કરવામાં આવ્યા બાદ નવા ગ્રાહકને ઓછામાં ઓછા ૯૦ દિવસ સુધી એ નંબર નહિ અપાય.

પોતાની ગુપ્તતા જળવાઈ રહે તેની ખાતરી કરવા પૂરતા પગલાં લેવાની જવાબદારી અગાઉના ગ્રાહકની હોવાનું સુપ્રીમ કોર્ટે ૩૦ ઑક્ટોબરે આપેલા ચૂકાદામાં જણાવ્યું હતું.

કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે વૉટ્સઍપ હૅલ્પ સેન્ટર પર ઉપલબ્ધ માહિતી મુજબ રિસાઈકલ કરવામાં આવેલા ફોન નંબરને મામલે ગૂંચવણ દૂર કરવા જે નંબર ૪૫ દિવસ સુધી ઈનઍક્ટિવ રહ્યો હોય તેના પર તેઓ નજર રાખે છે. ત્યાર બાદ જ અન્ય મોબાઈલ ફોન પર એ નંબર ઍક્ટિવેટ કરવામાં આવે છે અને એ અગાઉ જૂના નંબર પરનો તમામ ડૅટા નાબૂદ કરી દેવામાં આવે છે.
ટ્રાઈ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાની વિગતોને ધ્યાન પર લીધા બાદ કોર્ટે વર્તમાન અરજીને હાથ ધરવાનું નકારી કાઢ્યું હતું અને અરજી રદ કરી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button