મોબાઈલ ફોન કંપનીઓ નફા પર ટીડીએસ ન કાપે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ડિસ્ટ્રીબ્યૂટરો અને ફ્રૅન્ચાઈઝીઓને મોબાઈલ ફોનના વપરાશકર્તાઓને પ્રિ-પેઈડ કૂપન અને સિમ કાર્ડનું વેચાણ કરી થતા નફા પર ટીડીએસ ન કાપવાનો સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોન કંપનીઓને આદેશ આપ્યો છે.
આવકવેરા ખાતા અને ટેલિકોમ ઑપરેટર ભારતી એરટેલ લિ. (બીએએલ) દ્વારા કરવામાં આવેલી અનેક અપીલ અને ક્રોસ અપીલને ધ્યાન પર લઈને ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસવીએન ભટ્ટીની બનેલી ખંડપીઠે બુધવારે આ સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો.
વપરાશકર્તાઓને પ્રિ-પેઈડ કૂપન અને સિમ કાર્ડનું વેચાણ કરી ડિસ્ટ્રીબ્યૂટરો અને ફ્રૅન્ચાઈઝીઓને થતા નફા પર ઈન્કમ ટૅક્સ ઍક્ટ ૧૯૬૧ની કલમ ૧૯૪-એચ હેઠળ ટીડીએસ કાપવાની જવાબદારીને લગતો આ કાયદેસર પ્રશ્ર્ન છે.
આવકવેરા ખાતાએ દાવો કર્યો છે કે ડિસ્ટ્રીબ્યૂટરો અને ફ્રૅન્ચાઈઝીઓને થયેલો નફો એ ખરેખર તો કંપની અને ડિસ્ટ્રીબ્યૂટરો તેમ જ ફ્રૅન્ચાઈઝીઓ વચ્ચે થયેલા કરાર મુજબ તેમને આપવામાં આવતું કમિશન છે.
ટીડીએસની જોગવાઈ સહિત આઈટી ઍક્ટને ધ્યાન પર લઈ ચુકાદો આપતા ખંડપીઠે કહ્યું હતું કે ડિસ્ટ્રીબ્યૂટરો અને ફ્રૅન્ચાઈઝીઓ દ્વારા ગ્રાહકોને પ્રિ-પેઈડ કૂપન અને સિમકાર્ડ વેચીને કરવામાં આવતી કમાણી પર ટીડીએસ કાપવાનો મોબાઈલ કંપનીઓને અધિકાર નથી.
આ કેસમાં આઈટી ઍક્ટની કલમ ૧૯૪-એચ લાગુ ન થતી હોવાનું ખંડપીઠે કહ્યું હતું. (એજન્સી)