જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિધાનસભ્યો બાખડયા, આ મામલે થયો હોબાળો
શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર ચૂંટણી બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર (Jammu and Kashmir assembly session) યોજાઈ રહ્યું છે. આજે ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. કલમ 370 હટાવવાના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષના વિધાનસભ્યો બાખડી પડ્યા હતાં.
ભાજપના વિધાનસભ્યોએ કલમ 370 પર લાગુ કરવાની માંગ ઉઠાવી રહેલા વિધાનસભ્યો સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી. વિધાનસભા અંદરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિધાનસભ્યો એકબીજાને ધક્કો મારતા અને ઝપાઝપી કરતા જોવા મળે છે.
બંધારણની રદ કરવામાં આવેલી કલમ 370 અંગે આ હોબાળો થયો હતો. લોકસભા સાંસદ રાશિદ એન્જિનિયરના ભાઈ વિધાનસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370નું બેનર બતાવ્યું, ભાજપના વિધાનસભ્ય અને વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ બેનર બતાવવાનો સખત વિરોધ કર્યો હતો. ત્યારપછી પાર્ટી અને વિપક્ષ વચ્ચે મારામારી અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ.
વિધાનસભ્યો વચ્ચે ઘર્ષણ એટલુ વધી ગયું કે સ્પીકરે માર્શલ બોલાવવ પડ્યા હતાં. માર્શલોએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન માર્શલો કેટલાક વિધાનસભ્યોને ગૃહની બહાર પણ લઈ ગયા. સ્પીકરે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત પણ કરી દીધી હતી. રાશિદ એન્જિનિયરના ભાઈ ખુર્શીદ અહેમદ શેખ લંગેટ વિધાનસભા બેઠક પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના વિધાનસભ્ય છે.
Also Read – જમ્મુ-કાશ્મીરમાં પણ બુલડોઝર એક્શનની તૈયારી, એલજીએ આપ્યા સંકેત
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વિધાનસભ્ય વાહીદ પરાએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા માટે ઠરાવ રજૂ કર્યો હતો. બીજેપી નેતા રવિન્દ્ર રૈનાએ આ મુદ્દે નિવેદન જાહેર કરીને આ ઘટના માટે મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા પર પ્રહાર કર્યા છે.
રવિન્દ્ર રૈનાએ કહ્યું કે કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે પરંતુ ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનને પ્રોત્સાહિત કરી રહી છે. કલમ 370એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાની માનસિકતાને જન્મ આપ્યો છે.