ગેહલોતે તમને જાપ્તો રાખવા ગોઠવ્યા છે, 4 દિવસમાં અહીંથી નીકળી જશે
રાજસ્થાનની સીએમની રેસમાં રહેલી દિયા કુમારીનો વીડિયો વાયરલ
જયપુરઃ રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનની રેસમાં રહેલા દિયા કુમારી ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી નવા ચૂંટાયેલા વિધાન સભ્ય દિયા કુમારીનો એક દમદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બીજેપી મહિલા વિધાન સભ્ય ફોન પર પોલીસ અધિકારીઓને ફટકારતા જોવા મળે છે. મહિલા ભાજપ વિધાન સભ્ય પોલીસ અધિકારીને કહી રહ્યા છે કે અશોક ગેહલોતે તેમને જાપ્તો રાખવા માટે નિમણૂક કરી છે, પરંતુ ચાર દિવસમાં ભાજપની સરકાર આવી રહી છે.
ત્યાર બાદ તેમને અહીંથી ખસેડી લેવામાં આવશે અને એવી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવશે કે ખબર પણ નહીં પડે કે આ કેવી જગ્યા છે. આ વાયરલ વીડિયો જયપુરના જોતવારા પોલીસ સ્ટેશનનો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ જયપુરમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.
આ અંગે પીડિતાના પિતાએ જોતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાનો આરોપ છે કે તેની 8 વર્ષની પુત્રી તેના 5 વર્ષના ભાઈ સાથે શાળાએ જાય છે. સ્કૂલ વેન ડ્રાઈવર અબ્દુલ મજીદ છેલ્લા કેટલાક દિવસોથી સગીરાને ધમકાવીને બળાત્કાર ગુજારતો હતો.
ડ્રાઈવરની સાથે તેના કેટલાક મિત્રોએ પણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વેન ડ્રાઇવરે સ્કૂલેથી પરત ફરતી વખતે તેમના પુત્રને વેનમાં બંધ રાખ્યો હતો અને તેમની પુત્રીને વેનની બહાર ખાલી રૂમમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પીડિતાના પરિવારે ન્યાય માટે બાળ સુરક્ષા આયોગને પણ અરજી કરી હતી. કમિશનના સભ્યોએ પીડિતાના પિતાની ફરિયાદ પોલીસને આપી હતી.
શરૂઆતમાં પોલીસે આ કેસમાં વિલંબ કર્યો હતો, પરંતુ ત્યારબાદ સામાજિક સંસ્થાઓના દબાણ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ મામલામાં આરોપીઓ સામે કાર્યવાહી ન થવાથી નારાજ અનેક સામાજિક સંગઠનો શનિવારે રાત્રે જોતવારા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી મામલાની માહિતી મળતા જ વિદ્યાધર નગરના નવા ચૂંટાયેલા વિધાન સભ્ય દિયા કુમારી પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. બીજેપીના વિધાન સભ્ય દિયા કુમારીએ લોકોને મળ્યા હતા અને પીડિતાના પરિવાર પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી. આ પછી, પોલીસ અધિકારીઓને ગેંગ રેપના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.