દાદાસાહેબ ફાળકે એવોર્ડઃ મિથુન થયો ઈમોશનલ, મોદીએ આપ્યા અભિનંદન…
નવી દિલ્હીઃ સોમવારની સવાર અભિનેતા મિથુન ચક્રવર્તી અને તેના ફેન્સ માટે એક બહુ પ્લીઝન્ટ સરપ્રાઈઝ લઈને આવી હતી. ફિલ્મજગતનો સૌથી સન્માનીત એવોર્ડ મિથુનદાને જાહેર કરવામાં આવ્યો. આ એવોર્ડ તેમને 8મી ઑક્ટોબરે મળશે.
એવોર્ડના સમાચાર બાદ મિથુને એક મીડિયા હાઉસ સાથે વાત કરી હતી. પોતાને મળેલા આ સન્માનથી ભાવુક થઈ ગયેલા મિથુને જણાવ્યું હતું કે મારી પાસે બોલવા માટે શબ્દો નથી. હું ખૂબ જ આભારી છું. નથી હું હસી શકતો કે નથી રડી શકતો. હું ક્યાં કોલકાત્તાથી આવ્યો, ફૂટપાથ પર રહી સંઘર્ષ કરી અહીં પહોંચ્યો છું. એ છોકરાને આટલું મોટું સન્માન મળશે તે વિચારી પણ નથી શકતો. હું નિશબ્દ છું. આ એવોર્ડ મારા ફેન્સ અને ફેમિલીને ડેડીકેટ કરું છું. અભિનેતાએ પોતાના મનની વાત કહી હતી.
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મિથુનને અભિનંદન આપતી ટ્વીટ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે મિથુનજી કલ્ચરલ આઈકન છે અને તેમના વિવિધ અભિનયથી તેમણે તમામ પેઢીની પ્રશંસા મેળવી છે. ભારતીય સિનેમાજગતને તેમણે આપેલું યોગદાન બેજોડ છે.
મિથુનના દીકરા નમાશીએ પણ પિતાને મળેલા આ સન્માન બદલ ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે મારા પિતા ઘણા માટે પ્રેરણાસ્ત્રોત છે. મારા પિતા સેલ્ફ મેડ સુપરસ્ટાર છે અને તેમને મળેલા આ સન્માનથી અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ.
દાદાસાહેબ ફાળકે સન્માન ફિલ્મજગતની હસ્તીઓને મળતું સૌથી શ્રેષ્ઠ સન્માન છે. અત્યાર સુધીમા 53 હસ્તી આ સન્માન મેળવી ચૂકી છે. મિથુન 54માં કલાકાર છે, જેમને 8મી ઑક્ટોબરે આ સન્માન મળશે.