આઠ દિવસથી કોટાનો વિદ્યાર્થી ગુમ, પોલીસનું જંગલ અને ચંબલમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન ચાલુ

રાજસ્થાનના કોચિંગ શહેર ગણાતા કોટામાં છેલ્લા આઠ દિવસથી ગુમ થયેલ વિદ્યાર્થી હજુ સુધી મળ્યો નથી. વિદ્યાર્થીને શોધવા માટે કોટા પ્રશાસન, પોલીસ અને કોર્પોરેશનની ટીમો સવારથી સાંજ સુધી ગરાડિયા મહાદેવ મંદિર પરિસર, ચંબલ નદી અને અહીંના ગાઢ જંગલોમાં શોધખોળ કરી રહી છે. લગભગ 60 લોકોએ અલગ-અલગ ટીમ બનાવી છે અને વિદ્યાર્થીને શોધી રહ્યા છે.
બાળકને શોધવા માટે વિવિધ જગ્યાએ પોસ્ટર પણ ચોંટાડવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યોએ સવાઈ માધોપુર, બારનના આંટા, રાવતભાટામાં તેમના દીકરા રચિતના ગુમ થયાના પોસ્ટર લગાવ્યા છે. પોલીસ, આરએસી, હોમગાર્ડ, એસડીઆરએફ અને કોર્પોરેશનના ડાઇવર્સ સહિત 100 અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસકર્મીઓની ટીમ આ ગુમ વિદ્યાર્થીની શોધમાં લાગેલી છે.
ગુમ થયેલા વિદ્યાર્થીને શોધવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી છે. ડોગ સ્કવોડની મદદથી જંગલના દરેક ખૂણે ખૂણે શોધખોળ કરવામાં આવી રહી છે. ભારે શોધખોળ બાદ પોલીસને રચિતનું છેલ્લું લોકેશન ગરાડિયા મહાદેવ મંદિર હતું. પોલીસ અને પરિવારના સભ્યોને મંદિરથી 200 મીટરના અંતરે રચિતની બેગ, ચપ્પલ, મોબાઈલ, પાવર-બેંક, રૂમની ચાવી, એક છરી અને દોરડું અને અન્ય વસ્તુઓ મળી આવી હતી, પણ રચિતનો અતોપતો મળ્યો નથી.
રચિતના શોધમાં પરિવારના સભ્યો જંગલોમાં ભટકી રહ્યા છે. તેની માતાની આંખના આંસુ સુકાઇ નથી રહ્યા. તેની માતાએ ઘણા દિવસથી ખઆધુ પણ નથી અને તે વારંવાર બેભાન થઇ જાય છે. આટઆટલા પ્રયાસો કર્યા બાદ પણ રચિત નહીં મળતા પરિવારજનો અકળાઇ ગયા છે અને તેમણે કોટા જિલ્લા મુખ્યાલયમાં કલેક્ટર કચેરી પરિસરમાં ધામા નાખ્યા છે. તેમની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ સમર્થનમાં આવ્યા છે. બધા જ વહેલી તકે રચિતને શોધવાની માગ કરી રહ્યા છે.