Missing Aircraft: ઝારખંડમાં ગુમ વિમાનની શોધખોળમાં NDRF જોડાશે
જમશેદપુરઃ ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લામાં ગુમ થયેલા એક બે સીટર પ્લેનના સર્ચ ઓપરેશનમાં એનડીઆરએફની ટીમ પણ જોડાશે. આ વિમાન અહીંના એક એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગુમ થઇ ગયું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર(ચંદિલ) સુનીલ કુમાર રાજવારના જણાવ્યા અનુસાર ગુમ થયેલા વિમાનની શોધમાં મંગળવાર મધરાત સુધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાંચીની એનડીઆરએફની ટીમ બુધવારે સર્ચ ઓપરેશનમાં જોડાશે.
આ પણ વાંચો: Bharat Bandh : આજે ભારત બંધનું એલાન, આ રાજ્યોમાં જોવા મળશે અસર
પોલીસ કમિશનર (સરાયકેલા-ખરસાવાં) મુકેશ કુમાર લુનાયતના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ જળાશયમાં વિમાનનો કાટમાળ જોયો હોવાનો દાવો કર્યા પછી સરાયકેલા-ખરસાવાં જિલ્લાના ચંદિલ ડેમમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
અગાઉ પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ડેપ્યુટી કમિશ્નર અનન્યા મિત્તલે જણાવ્યું હતું કે સોનારી એરોડ્રોમના એર ટ્રાફિક કંટ્રોલે અલકેમિસ્ટ એવિએશન કંપનીના વિમાનનું અંતિમ સ્થાન સરાયકેલા-ખરસાવાં જિલ્લાના ચંદિલ સબ-ડિવિઝન હેઠળના નિમડીહની નજીક શોધી કાઢ્યું હતું.
પૂર્વ સિંઘભૂમ અને સરાયકેલા-ખરસાવાં જિલ્લાનું વહીવટીતંત્ર, પોલીસ અને વન વિભાગ વિમાનની શોધખોળ કરી રહ્યા છે. આ વિમાન ફ્લાઇંગ સ્કૂલ અલ્કેમિસ્ટ એવિએશનનું સેસના ૧૫૨ હોવાનું કહેવાય છે. જેણે મંગળવારે સવારે ૧૧ વાગ્યે જમશેદપુરના સોનારી એરોડ્રોમથી એક પાઇલટ અને તાલીમાર્થી સાથે ઉડાન ભરી હતી.