દિલ્હીમાં અમદાવાદ જેવી જ ઘટના: મારપીટનો બદલો લેવા સગીરે શાળાની બહાર જ વિદ્યાર્થીને ચાકુ માર્યું

નવી દિલ્હી: તાજેતરમાં જ અમદાવાદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી હતી, ત્યારે આવી જ એક ઘટના દિલ્હીમાં બની હતી. જેમાં મારનો બદલો લેવા માટે ૧૫ વર્ષીય એક વિદ્યાર્થીને શાળાની બહાર ચાકુ મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ચાકુ મારવાના આરોપમાં પોલીસે ત્રણ સગીર છોકરાઓની અટકાયત કરી હતી અને પકડાયેલા આ ત્રણ છોકરાઓની ઉંમર ૧૫ અને ૧૬ વર્ષની છે. પોલીસ તેમની પૂછપરછ કરીને કેસની તપાસ કરી રહી છે.
પોલીસે શનિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના ૪ સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઘાયલ છોકરો છાતીમાં ફસાયેલા ચાકુ સાથે પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેને તાત્કાલિક નજીકની કલાવતી સરન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં RML હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સફળતાપૂર્વક તેની છાતીમાંથી ચાકુ બહાર કાઢ્યું હતું.
પોલીસે જણાવ્યું કે કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ ૧૦-૧૫ દિવસ પહેલાં, આરોપી સગીરોમાંથી એકને કેટલાક છોકરાઓએ માર માર્યો હતો. તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ જ આ છોકરાઓને માર મારવા ઉશ્કેર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, માર મારવાનો બદલો લેવા માટે, આ છોકરાએ અને તેના બે સાથીઓએ પીડિત સાથે તેની શાળાના ગેટ પાસે ઝઘડો કર્યો અને પછી તેને છરી મારી હતી. ડીસીપી (સેન્ટ્રલ) નિધિન વલસને જણાવ્યું, “સગીરોમાંથી એકે પીડિત વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો, જ્યારે તેના બે સાથીઓએ તેને પકડી રાખ્યો હતો. છરી મારતા પહેલાં, આરોપીઓમાંથી એકે તે છોકરાને તૂટેલી બિયરની બોટલ બતાવીને ધમકાવ્યો પણ હતો.”
આ મામલે પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સ્થાનિક ગુપ્તચર માહિતી અને ત્વરિત દરોડા દ્વારા FIR નોંધાયાના થોડા કલાકોમાં જ ત્રણેય આરોપી છોકરાઓને આરામ બાગ વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી છરી અને તૂટેલી બિયરની બોટલ પણ જપ્ત કરી હતી.
આ પણ વાંચો…અમદાવાદમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો! મેઘાણીનગરમાં 8 લોકોએ કરી યુવકની હત્યા