કોણ છે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મેળવનારા પ્રધાનો?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય કેબિનેટમાં મહારાષ્ટ્રના પાંચ સંસદસભ્યોને સ્થાન આપવામાં આવશે એવું અત્યાર સુધી સામે આવ્યું છે. આ પાંચ સંસદસભ્યોની પસંદગી પાછળના સંભવિત કારણો અને તેમની અત્યાર સુધીની રાજકીય કારકીર્દિ વિશેની જાણકારી મેળવીએ.
કોણ છે રક્ષા ખડસે?
રક્ષા ખડસે શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની વહુ છે. ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપ આ વખતે લોકસભાની છમાંથી માત્ર બે બેઠકો જાળવી શકી છે જ્યારે 2019માં આ ક્ષેત્રમાંથી પાંચ બેઠક પર ભાજપને વિજય મળ્યો હતો.
રક્ષા માટે પ્રધાનપદ એ ઉત્તર મહારાષ્ટ્રમાં ઓબીસી (અન્ય પછાત વર્ગ)નું પ્રતિનિધિત્વ પણ માનવામાં આવે છે.
રક્ષાએ જળગાંવની રાવેર લોકસભા બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના તેમના નજીકના હરીફ શ્રીરામ પાટિલ સામે 3.36 લાખ મતના માર્જિનથી જીત મેળવી હતી.
રક્ષાએ તેની રાજકીય કારકિર્દી ખડસેના મૂળ ગામ કોથલીના સરપંચ તરીકે શરૂ કરી હતી. બાદમાં તેઓ જલગાંવ જિલ્લા પરિષદમાં અને મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
કોણ છે પ્રતાપરાવ જાધવ?
ચાર ટર્મથી બુલઢાના સાંસદ પ્રતાપરાવ જાધવ (64) તેમની પાર્ટીના સૌથી વરિષ્ઠ સાંસદ તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન માટે પસંદ કરવામાં આવ્યા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં, તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથના તેમના નજીકના હરીફ નરેન્દ્ર ખેડેકરને 29,479ના માર્જિનથી હરાવ્યા હતા.
2009માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા તે પહેલાં તેઓ 1995થી સતત ત્રણ વખત મેહકરના ધારાસભ્ય હતા. તેમણે 1997 અને 1999ની વચ્ચે તત્કાલીન મનોહર જોશીની આગેવાની હેઠળની શિવસેના-ભાજપમાં રમતગમત અને સિંચાઈ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જાધવ એક મરાઠા નેતા છે જેમને વિદર્ભમાં સમુદાયનું મજબૂત સમર્થન છે.
શિંદે કેમ્પમાં મરાઠા નેતાઓનો એક વર્ગ માને છે કે જાધવને પ્રધાનપદ મળવાથી મુખ્ય પ્રધાનને મરાઠા આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવામાં મદદ મળશે જેઓ ક્વોટા મુદ્દે સરકાર સાથે વિવાદમાં છે.
કોણ છે રામદાસ આઠવલે?
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-આઠવલે જૂથના નેતા રામદાસ આઠવલે (65) રાજ્યસભાના સભ્ય છે અને અગાઉની મોદી સરકારમાં સામાજિક ન્યાય ખાતાના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન હતા.
આઠવલેએ 1970ના દાયકાની શરૂઆતમાં દલિત પેન્થર ચળવળમાં ભાગ લઈને તેમની રાજકીય અને સામાજિક કારકિર્દીની શરૂઆત કરી હતી. પેન્થર ચળવળ દરમિયાન તેઓ આક્રમક ગ્રાઉન્ડ લેવલના નેતા હતા.
સત્તાધારી પક્ષોની સાથે રહેવા માટે જાણીતા આઠવલેને સક્રિય રાજકારણમાં મોટો બ્રેક મળ્યો જ્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ નેતા શરદ પવારે તેમને 1990ના દાયકાની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવ્યા.
બાદમાં કોંગ્રેસે તેમને મુંબઈ અને પંઢરપુરથી લોકસભાની ટિકિટ આપી અને તેમની જીત સુનિશ્ચિત કરી. 2009 માં આઠવલે શિરડી મતવિસ્તારમાં હારી ગયા અને તત્કાલીન યુપીએ સરકારમાં પ્રધાનપદ માટે તેમની વિચારણા કરવામાં આવી ન હતી.
2014માં કેન્દ્રમાં મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી આઠવલે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) માં જોડાયા અને 2016માં તેમને પ્રધાન બનાવવામાં આવ્યા.
તાજેતરની લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ પર ચૂંટણી લડ્યા ન હોવા છતાં પીએમ મોદીએ દલિત મતદારોમાં તેમનો દબદબો જોતા તેમને પ્રધાનપદ માટે પસંદ કર્યા છે. દલિત મતદારો વિપક્ષી ઈન્ડી ગઠબંધન તરફ સ્થળાંતર કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિમાં આઠવલેનું સમર્થન મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાવાની છે.