કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટોલ પ્લાઝા મુદ્દે મોટી જાહેરાત, કહ્યું 15 દિવસમા પોલિસી જાહેર કરાશે

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝાને મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે
દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે મુંબઈ-ગોવા હાઇવેનું કામ આ વર્ષે જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. સોમવારે મુંબઈના દાદરમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી નીતિન ગડકરીએ આ વાત કહી.
નવી ટોલ નીતિ 15 દિવસમાં જાહેર કરવામાં આવશે
નીતિન ગડકરીએ દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરશે. જોકે, તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી. તેમણે કહ્યું આગામી 15 દિવસમાં એક નવી નીતિ જાહેર કરવામાં આવશે. એકવાર આ લાગુ થઈ ગયા પછી કોઈને ટોલ વિશે ફરિયાદ કરવાનું કોઈ કારણ રહેશે નહીં.
મુંબઈ-ગોવા હાઇવેનું કામ જૂન 2025 સુધીમાં પૂર્ણ થશે
મુંબઈ-ગોવા હાઇવે અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનું કામ જૂન 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે આનાથી રોજિંદા મુસાફરો અને કોંકણ જતા મુસાફરોને મોટી રાહત મળશે, જેઓ વર્ષોથી ઉબડ -ખાબડ રસ્તાઓ પરથી મુસાફરી કરી રહ્યા છે. દેશના માળખાગત સુવિધાઓમાં વિશ્વાસ વ્યક્ત કરતા નીતિન ગડકરીએ કહ્યું, આગામી બે વર્ષમાં ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કરતા વધુ સારું હશે.
હાઇવેના કામમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
કેન્દ્રીય મંત્રીએ મુંબઈ-ગોવા હાઈવેના કામમાં પડકારોનો સ્વીકાર કર્યો અને કહ્યું, મુંબઈ-ગોવા હાઈવે અંગે ઘણી મુશ્કેલીઓ હતી પરંતુ ચિંતાની જરૂર નથી. જૂન સુધીમાં હાઈવે પર 100 ટકા કામ પૂર્ણ કરીશું. તેમણે કહ્યું કે હાઇવે માટે જમીન સંપાદન કાનૂની વિવાદો અને આંતરિક સંઘર્ષોને કારણે વિલંબિત થયું હતું. પરંતુ હવે બધા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે અને મુંબઈ-ગોવા હાઇવે પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આપણ વાંચો: ‘…તો મોદીને ચા વેચવાની જરૂર ન પડી હોત’ ઓવૈસી અને અન્ય વિપક્ષના નેતાઓએ વડાપ્રધાનના નિવેદનને વખોડ્યું