રાહુલ ગાંધી વિરોધી નિવેદન આપનારા મંત્રીને સરકારમાંથી કરી દેવાયા રવાના, શું કહ્યું હતું ?

નવી દિલ્હીઃ કૉંગ્રેસની આગેવાનીમાં આજે વિરોધપક્ષોએ આજે ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. રાહુલ ગાંધીએ મતદાનની પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કરી વૉટ ચોરીનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ આજે તેમની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિરોધપક્ષના નેતાઓ એકઠા થયા હતા.
રાહુલ ગાંધીએ થોડા સમયથી ચૂંટણી પંચને સાણસામાં લેવાની શરૂઆત કરી છે. બિહારની ચૂંટણી નજીક આવતા આ મામલો વધારે ચર્ચામાં આવ્યો છે. ગાંધીએ 2024માં યોજાયેલી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના અમુક આંકડાઓ સામે ધરી એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, જેની ચર્ચા ચોમેર થઈ રહી છે.
આ બધા વચ્ચે કૉંગ્રેસના જ એક નેતાએ રાહુલ ગાંધીની ટીકા કરી છે. કર્ણાટકના આ નેતાની ટીકા તેમને જ ભારી પડી છે અને મળતા અહેવાલો અનુસાર કૉંગ્રેસે તેમનું પદ પરથી રાજીનામું લઈ લીધું છે.
આપણ વાંચો: રાહુલ ગાંધી ‘ડબલ વોટ’ના આરોપમાં ફસાયા: ચૂંટણી પંચે માગ્યો ખુલાસો, શું છે મામલો?
કેમ થયા રાહુલ ગાંધી નારાજ
કર્ણાટકના સહકાર મંત્રી અને કોંગ્રેસના નેતા કે.એન. રાજન્નાએ રવિવારે તુમકુરુમાં રાહુલ ગાંધીના મત ચોરીના આરોપોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આમ કહેવું યોગ્ય નથી. આ મતદાર યાદી કોંગ્રેસના શાસન દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. તે સમયે કોઈ કેમ બોલ્યું નહીં, આંખો કેમ બંધ કરવામાં આવી.
એ સાચું છે કે ભાજપે ખોટું કર્યું છે, આ વાતને નકારી શકાય નહીં. પરંતુ આ બધું આપણી નજર સામે થયું છે, આપણે પણ વધારે સતર્ક રહેવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે હું વધુ બોલીશ તો મામલો વધારે બગડશે. પોતાના જ પક્ષના નેતાની આવી વાતોથી રાહુલ ગાંધી ખૂબ જ નારાજ થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રધાન પાસે બળજબરીથી રાજીનામું અપાવાયાનો આક્ષેપ
રાહુલ ગાંધીની નારાજગી બાદ કર્ણાટકની સિદ્ધરમૈયા સરકારમાં પ્રધાન એવા કે.એન. રાજન્નાના રાજીનામાની વાત બહાર આવી હતી. જોકે તેમણે પહેલા તો રાજીનામાનો ઈનકાર કર્યો હતો, પરંતુ પછીથી રાજીનામું ધરી દીધું હતું.
તેમણે પોતે રાજીનામું નહીં આપે તેવી રજૂઆત કરી હતી, પરંતુ જો તેઓ સ્વેચ્છાએ પદ નહીં છોડે તો બળજબરી કરી છોડાવવામાં આવશે, તેમ કહેવામા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કર્ણાટક વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આવા સમયે શાસકપક્ષના પ્રધાનનું રાજીનામું ચર્ચાનો મુદ્દો બની રહે છે.