નેશનલ
આજથી મિનિ વેકેશન
અનંત ચતુર્દશીની આજે, ઈદની શુક્રવારે રજા
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ૨૯ સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદની રજા જાહેર કરી છે. ૨૮મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી નિમિત્તે રજા છે. અનંત ચતુર્દશી અને ઈદ-એ-મિલાદ નિમિત્તે મુંબઈ અને અન્ય સ્થળો પર સરઘસ કાઢવામાં આવતા હોવાથી ઓલ ઈન્ડિયા ખિલાફતના પ્રતિનિધિમંડળે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને વિનંતી કરી હતી. શિંદેએ એક નિવેદનમાં કહ્યું કે ૨૮મી અને ૨૯મી સપ્ટેમ્બરે એટલે કે અનુક્રમે ગુરુવારે અને શુક્રવારે સરઘસ માટે પોલીસ વ્યવસ્થા કરી શકે તે માટે શુક્રવારે રજા જાહેર કરવા પ્રતિનિધિમંડળે વિનંતી કરી હતી. શુક્રવારે પણ રજા જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. શુક્રવારની રજા જાહેર કરવાથી સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર અને તે પછી બીજી ઑકટોબરે પણ રજા રહેશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.