ઇસ્લામાબાદ: પાકિસ્તાનના લશ્કરના વડા હુસેન મુનિરે રાજકીય પક્ષોને આપસના મતભેદ ભૂલીને ‘સંયુક્ત સરકાર’ રચવાનો અને દેશની જનતાની સેવા કરવા અનુરોધ કર્યો હતો.
પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ ઊભી થતાં હુસેન મુનિરે આ નિવેદન બહાર પાડ્યું હતું. અગાઉ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પણ ‘સંયુક્ત સરકાર’ રચવા અન્ય રાજકીય પક્ષોને હાકલ કરી હતી. નવાઝ શરીફને દેશના લશ્કરનો ટેકો હોવાનું કહેવાય છે.
પાકિસ્તાનના જેલમાંના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષ તહરીકે ઇન્સાફને રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણીમાં ૧૦૧ બેઠક મળી છે, જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝને ૭૩, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૫૪, મુત્તહિદા કૌમી મુવમેન્ટને ૧૭ બેઠક અને બાકીની બેઠકો અન્ય નાના રાજકીય પક્ષને મળી છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ૨૬૫ બેઠકમાંથી ૨૫૫ બેઠકના પરિણામ જાહેર થયા હતા. બહુમતી માટે રાજકીય પક્ષની પાસે ૧૩૩ બેઠક હોવી જરૂરી છે. એક બેઠક પરના ઉમેદવારનું મૃત્યુ થતાં ત્યાં ચૂંટણી મુલતવી રખાઇ હતી.
અગાઉ, ઇમરાન ખાનના પાકિસ્તાન તહરીકે ઇન્સાફે પાકિસ્તાનની ચૂંટણીમાં પોતાને બહુમતી મળી હોવાનો અને કેન્દ્ર તેમ જ
પ્રાંતોમાં પોતાની સરકાર રચવાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાન તહરીકે ઇન્સાફના ચીફ ઓર્ગેનાઇઝર ઉમર અયુબ ખાન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફના સંસદીય નેતા બેરિસ્ટર અલી ઝાફરે જણાવ્યું હતું કે સંસદીય ચૂંટણીના પરિણામ બહુ જ સારા રહ્યા છે અને દેશભરમાં અમને ભારે બહુમતી મળી છે.
તેઓએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાને પાકિસ્તાનને નવો માર્ગ બતાવ્યો છે. દેશભરમાં, ખાસ કરીને કરાચીમાં ચૂંટણી પ્રક્રિયામાં સતત અવરોધ ઊભા કરાયા હતા.
પાકિસ્તાન તહરીકે ઇન્સાફના નેતાઓએ ચેતવણી આપી હતી કે મતદાન બાદ સરકારની રચનામાં બંધ-બારણે ચેડાં કરવાના કે ગેરરીતિ આચરવાના કોઇ પણ પ્રયાસ જોખમી સાબિત થઇ શકે છે.
પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ૩૩૬ બેઠકમાંથી ૨૬૫ બેઠક પર ગુરુવારે મતદાન યોજાયું હતું અને બાકીની ૬૦ બેઠક મહિલાઓ માટે તેમ જ ૧૦ બેઠક લઘુમતી કોમના લોકો માટે અનામત રખાઇ છે. આ અનામત બેઠકો વિજયી રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વના પ્રમાણના આધારે ફાળવાશે.
પાકિસ્તાન તહરીકે ઇન્સાફના આ બે નેતાએ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમના રાજકીય પક્ષ પીએમએલ-એન પર આક્ષેપ કર્યો હતો કે ‘લંડન પ્લાન’ હેઠળ ભાગેડું (નવાઝ શરીફ)ને પાછા સ્વદેશ લવાયા છે. (એજન્સી)
ઈમરાન ખાનને જામીન મળ્યા
ઈસ્લામાબાદ : આતંકવાદીવિરોધી અદાલતે લશ્કરી મથકો પર ઈમરાન ખાનના ટેકેદારોના નવમી મેના હુમલાના ૧૨ કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને જામીન આપ્યા હતા. કથિત ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ આ હુમલા થયા હતા. જજ મલિક ઈજાઝ અસીફે તહરીક-એ-ઈન્સાફનાં સ્થાપક ખાનને પાકિસ્તાનના વડા મથક અને લશ્કર મ્યુઝિયમ પરના હુમલા સહિતના ૧૨ કેસમાં એક લાખ રૂપિયાના બોન્ડ ભર્યા બાદ જામીન પર છોડવાનો હુકમ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે નવમી મેના કેસના બધા આારોપીને જામીન અપાયા હોવાથી ઈમરાનને જેલમાં રાખવાનું યોગ્ય નથી. ખાનના ટેકાવાળા અપક્ષોએ નેશનલ એસેમ્બલીમાં ૧૦૦ બેઠક જીત્યાના એક દિવસ બાદ અદાલતે આ હુકમ આપ્યો હતો. કોર્ટે ભૂતપૂર્વ વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીને પણ જામીન આપ્યા હતા. ખાન અને કુરેશીને છ ફેબ્રુઆરીએ દોષી જાહેર કરાયા હતા. (એજન્સી)