હિમાલયની 17,000 ફૂટની ઊંચાઈ પર MARCOSનું પરાક્રમ, જાણો અનોખા યુદ્ધ અભ્યાસની વિશેષતાઓ

નવી દિલ્હી: ભારતીય સેનાના સ્પેશિયલ ફોર્સીસ (PARA (SF)) અને ભારતીય નૌસેનાના મરીન કમાન્ડો (MARCOS) એ તાજેતરમાં સિક્કિમમાં 17,000 ફૂટની ઊંચાઈ પર એક અસામાન્ય અને પડકારજનક સંયુક્ત યુદ્ધ ડાઇવિંગ તાલીમ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર, 2025 દરમિયાન થયો હતો, જેનો હેતુ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં સૈનિકોની ક્ષમતા વધારવાનો હતો.

શું હતી આ તાલીમની વિશેષતાઓ?
આ યુદ્ધ ડાઇવિંગ તાલીમ અભ્યાસની વિશેષતાઓની વાત કરીએ તો આ તાલીમમાં સૈનિકોએ 17 મીટર ઊંડા બર્ફીલા પાણીમાં અનેક પ્રકારની ડાઇવિંગ કરી હતી. જેમાં ઓપન સર્કિટ એર ડાઇવિંગ એટલે કે સામાન્ય ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરીને ડાઇવિંગ, ક્લોઝ્ડ સર્કિટ પ્યોર ઓક્સિજન ડાઇવિંગ એટલે કે ખાસ ઉપકરણોનો ઉપયોગ કરીને પાણીમાં પરપોટા ન બને તે રીતે ડાઇવિંગ તેમજ અંધારામાં યુદ્ધ માટે ડાઇવિંગના અભ્યાસનો સમાવેશ થાય છે.

આ ઊંચાઈ અને અતિશય ઠંડીને કારણે આ અભ્યાસ સૈનિકો માટે શારીરિક અને માનસિક રીતે અત્યંત પડકારજનક હતો. આ તાલીમ માત્ર સૈનિકોની ડાઇવિંગ કુશળતાને જ નહીં, પરંતુ તેમની સહનશીલતા, માનસિક શક્તિ અને વ્યાવસાયિક ક્ષમતાની પણ કસોટી હતી.
આ અભ્યાસ શા માટે જરૂરી છે?
આ પ્રકારની તાલીમ ભવિષ્યના યુદ્ધની સંભવિત પડકારો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઊંચા પહાડો અને બર્ફીલા પાણીમાં તાલીમથી સૈનિકો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ બને છે. તે સેના અને નૌસેના વચ્ચેની એકતા અને સહકારને પણ મજબૂત બનાવે છે. ટીમ કમાન્ડરના જણાવ્યા અનુસાર, આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તાલીમ આપણા સૈનિકોની હિંમત, કૌશલ્ય અને માનસિક શક્તિની કસોટી કરે છે. આ અભ્યાસ દર્શાવે છે કે આપણા જવાનો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં અસરકારક રીતે કામ કરી શકે છે.

ભારતની સૈન્ય તાકાતને નવીન દિશા
ભારતીય સેનાના PARA (SF) અને નૌસેનાના MARCOS, જેમને “સમુદ્રના ભૂત” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે આ સંયુક્ત તાલીમ દ્વારા સાબિત કર્યું છે કે તેઓ હિમાલયની ઊંચાઈથી લઈને ઊંડા સમુદ્ર સુધી, કોઈપણ સ્થળે મિશન પાર પાડવા માટે સક્ષમ છે. આ અભ્યાસ ભારતની સૈન્ય વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત-ચીન સરહદ (LAC) પર તણાવ રહે છે. આ તાલીમ ભારતની વિશેષ દળોને વિશ્વના સૌથી ખતરનાક મિશન માટે તૈયાર કરે છે.