માઈક જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના નવા સ્પીકર તરીકે ચૂંટાયા
વોશિંગ્ટન: લુઇસિયાનાના રિપબ્લિકન કૉંગ્રેસમેન માઈક જોન્સનને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે, જેણે અમેરિકી રાજનીતિમાં ત્રણ સપ્તાહની અનિશ્ચિતતાનો અંત લાવી દીધો છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકરનું પદ દેશના સૌથી શક્તિશાળી રાજકીય પદોમાંનું એક છે અને યુએસ પ્રમુખ પછી ઉત્તરાધિકાર તરીકે ત્રીજા સ્થાને છે. તેના પુરોગામી કેવિન મેકકાર્થીને યુ.એસ.ના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન વડે પદભ્રષ્ટ થવું પડ્યું હોવાના ત્રણ અઠવાડિયા પછી બુધવારના રોજ જોન્સન ૨૨૦ વિરુદ્ધ ૨૦૯ મતોથી વિભાજિત કૉંગ્રેસમાં ચૂંટાયા હતા. ૪૩૫ સભ્યોના ગૃહમાં, રિપબ્લિકન ડેમોક્રેટ્સની ૨૧૨ સામે ૨૨૧ બેઠકો સાથે પાતળી બહુમતી ધરાવે છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ૫૬ મા સ્પીકર, ૫૧ વર્ષીય જોન્સન વ્યવસાયે વકીલ, લ્યુઇસિયાનાના ફોર્થ કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચાર વખતના કૉંગ્રેસમેન છે. કૉંગ્રેસને તેમના પ્રથમ સંબોધનમાં, સ્પીકર જોન્સને જણાવ્યું હતું કે તેમનો પ્રથમ વિધાયક એજન્ડા ઇઝરાયલના સમર્થનમાં ઠરાવ લાવવાનો હશે, જે આ મહિનાની શરૂઆતમાં હમાસ દ્વારા આતંકવાદી હુમલાનો ભોગ બન્યો હતો. જો કે, તેમના હાથમાં મુખ્ય પડકાર ખર્ચ બિલ પસાર કરીને અને ઇઝરાયેલ અને યુક્રેનમાં યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવા માટે પ્રમુખ જો બાઇડેન દ્વારા ૧૦૦ બિલિયન યુએસ ડોલરની વિનંતીને મંજૂર કરીને સરકારી શટડાઉન ટાળવાનો હશે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જોન્સનની ઉમેદવારીને ટેકો આપવામાં આવ્યો હતો.
તેમના ભાષણમાં, જોન્સને સંકેત આપ્યો કે તે તરત જ કાર્યરત થઇ રહ્યા છે. અમેરિકન લોકોનું હિત સાચવવું આ ક્ષણે ખૂબ જ જરૂરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, તેઓ સ્પીકર જોન્સન સાથે કામ કરવા આતુર છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, આજે બપોરે, બાઇડેને જોન્સનને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ સામાન્ય લોકો માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. (પીટીઆઈ)