નેશનલ

કેદીઓ સાથે જ્ઞાતિને આધારે ભેદભાવ ન કરવામાં આવે, ગૃહ મંત્રાલયે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જેલ પ્રશાસનને જેલ પરિસરની અંદર કેદીઓ સાથે જ્ઞાતિના આધારે ભેદભાવ ન થાય એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસાશન એ સુનિશ્ચિત કરે કે તેમના સંબંધિત જેલ મેન્યુઅલ અથવા એક્ટમાં કોઈ “ભેદભાવપૂર્ણ” જોગવાઈઓ તો નથી ને, કે જે કેદીઓને તેમની જાતિ અને ધર્મના આધારે અલગ પાડે. મંત્રાલયે ધ્યાન દોર્યું કે આવી જેલ મેન્યુઅલ અને નિયમો ધ્યાન પર આવ્યા છે, જે ભારતના બંધારણની વિરુદ્ધ છે.


સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી જેમાં જાતિ આધારિત ભેદભાવ અને જેલોમાં કેદીઓને અલગ રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જેલ માર્ગદર્શિકામાં આ પ્રકારની પ્રથાઓને ફરજિયાત કરતી જોગવાઈઓને રદ કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી. જેના પર બે મહિના અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યોને નોટિસ જાહેર કરી હતી.


2020 માં સંકલિત કરાયેલા રીપોર્ટને આધારે પત્રકાર સુકન્યા શાંતા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જેલ મેન્યુઅલના નિયમોમાં જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તેજેતરની એડવાઇઝરીમાં મુખ્ય સચિવો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની જેલોના મહાનિર્દેશકોને જણાવવામાં આવ્યું છે કે, “મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે કેટલાક રાજ્યોની જેલ મેન્યુઅલમાં કેદીઓને તેમની જાતિ અને ધર્મના આધારે અલગ કરવાની જોગવાઈ કરે છે અને તે મુજબ તેમને જેલમાં ફરજો સોંપવામાં આવે છે. નોંધનીય છે કે ભારતના બંધારણમાં ધર્મ, જાતિ, જાતિ, જન્મ સ્થળ વગેરેના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવ પર પ્રતિબંધિત છે.”


ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મુદ્દાની નોંધ લેવા અને તેમની રાજ્ય જેલ મેન્યુઅલ અથવા જેલ એક્ટમાં આવી ભેદભાવપૂર્ણ જોગવાઈઓ ન હોવી જોઈએ તેની ખાતરી કરવા જણાવ્યું છે.


એડવાઇઝરી મુજબ, જો આવી કોઈ જોગવાઈ અસ્તિત્વમાં હોય તો, મેન્યુઅલ/અધિનિયમમાંથી ભેદભાવપૂર્ણ જોગવાઈને સુધારવા/દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જેલમાં ફરજો અથવા કામની સોંપણી જાતિ આધારિત ન હોવી જોઈએ.


એડવાઈઝરીમાં રાજ્યોને ઈ-જેલ પ્લેટફોર્મ પર કેદીઓના ડેટાબેઝને નિયમિતપણે અપડેટ કરવા જણવ્યું છે અને એ પણ સુનિશ્ચિત કરવામાં કહેવામાં આવ્યું કે તમામ કોલમમાં માહિતી દાખલ કરવામાં આવે અને કોઈ ફીલ્ડ ખાલી ન રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button