દેશની નદીમાં પ્રથમ વાર મેટ્રો દોડી
પાણીમાં ટ્રેન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં બુધવારે ઉદ્ઘાટન કર્યું તે અગાઉ ભારતની સૌપ્રથમ અન્ડરવૉટર ટ્રેન. (એજન્સી)
કોલકાતા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતા મેટ્રોના એસ્પ્લેનેટ-હાવડા મેદાન સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. મેટ્રોનો આ હિસ્સો હુગલી નદીમાં તૈયાર કરવામાં આવેલી દેશની સૌપ્રથમ અન્ડરવૉટર ટ્રાન્સપોર્ટેશન ટનલમાંથી પસાર થાય છે.
મોદીએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો અને ટ્રેન ટનલમાંથી પસાર થતી હતી ત્યારે તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ મેટ્રો ટનલ દેશની એન્જિનિયરિંગ ક્ષમતાનું પરીક્ષણ છે.
મોદી એ જ માર્ગે એસ્પ્લેનેડ સ્ટેશને પાછા આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન રાજ્ય વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી મોદીની સાથે હતા.
મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ કાર્યક્રમમાં હાજરી નહોતી આપી.
ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનો ચારથી આઠ કિ.મીનો એસ્પ્લેનેડ-હાવડા મેદાન જેટલા હિસ્સાનું નિર્માણ રૂ. ૪,૯૬૦ કરોડને ખર્ચે કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોકા-એસ્પ્લેનેડ લાઈનના ૧.૨૫ કિ.મી લાંબા તારાતાલા-માજેરત સેક્શનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
મોદીએ નવા ગારિઆ ઍરપોર્ટ લાઈનના રૂ. ૧,૪૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કવિ સુભાષ-હેમંતા મુખોપાધ્યાય સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. હાવડા મેટ્રો સ્ટેશન જમીનથી ૩૨ મીટર નીચે આવેલું છે અને તે દેશનું જમીનથી સૌથી નીચે આવેલું મેટ્રો સ્ટેશન છે.
મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશના વિવિધ શહેરમાં રૂ. ૧૫,૪૦૦ કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવનારી વિવિધ મેટ્રો યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. (એજન્સી)
પુણે મેટ્રોનું ઉદ્ઘાટન
પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતાથી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પુણે મેટ્રોના રૂબી હૉલ ક્લિનિકથી રામવાડી સ્ટેશન વચ્ચેના છ કિ.મી.ના રૂટનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોદીએ પુણે નજીકના પિંપરીથી નિગડી વચ્ચેની મેેટ્રો રેલ સેવાનું ભૂમિપૂજન પણ કર્યું હતું. પુણેના રૂબી હૉલ મેટ્રો સ્ટેશન ખાતે આ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન (મહા મેટ્રો)ના અધિકારીઓ અને ભાજપના અનેક કાર્યકર્તાઓએ આ સમારોહમાં હાજરી આપી હતી. (એજન્સી)
આગરા મેટ્રો કોરિડોરનો પ્રારંભ
આગરા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતાથી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આગરા મેટ્રો પ્રાયોરિટી કોરિડોરનું ઉદ્ઘાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, અન્ય નેતાઓએ આ ટ્રેનમાં તાજમહેલ સ્ટેશનથી તાજમહેલ ઈસ્ટ સ્ટેશન સુધીનો પ્રવાસ કર્યો હતો.
પ્રવાસીઓ ગુરુવારથી આ મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. આ મેટ્રો ટ્રેન તાજમહેલ ઈસ્ટ સ્ટેશન, કૅપ્ ટન શુભમ ગુપ્તા સ્ટેશન, ફતેહાબાદ રોડ સ્ટેશન, તાજમહેલ સ્ટેશન અને માનકામેશ્ર્વર ટેમ્પલ સ્ટેશને ઊભી રહેશે.
આ કોરિડોરમાં ત્રણ અન્ડરગ્રાઉન્ડ અને ત્રણ ઍલિવેટેડ રેલવે સ્ટેશન હશે, એમ સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
તાજમહેલ સ્ટેશને મેટ્રો ટ્રેનની લીલીઝંડી દેખાડતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આગરા મેટ્રો પર્યટકો તેમ જ પ્રવાસીઓને વિશ્ર્વ કક્ષાની સુવિધા આપશે.
આગરા ઉત્તર પ્રદેશનું સૌથી જૂનું શહેર વ્રજભૂમિનો હિસ્સો છે. આ શહેર છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને શૌર્ય સાથે જોડાયેલું છે, એમ આદિત્યનાથે કહ્યું હતું.
આગરા મેટ્રોને આધુનિક સુવિધાઓનું કેન્દ્ર બનાવવું જરૂરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ડિસેમ્બર ૨૦૨૦માં આ મેટ્રો યોજનાની શિલારોપણ વિધિ કરી હતી. આગરા મેટ્રો બદલ હું શહેરના લોકોને અભિનંદન આપું છું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)