એડનની ખાડીમાં મિસાઇલ હુમલા બાદ કાર્ગો જહાજ પર આગ લાગી, ભારતીય યુદ્ધ જહાજે મદદ પહોંચાડી
નવી દિલ્હી: ઇન્ડીયન નેવીએ શનિવારે એડનની ખાડીમાં કાર્ગો ઓઇલ ટેન્કર જહાજમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આગની સ્થિતિમાં જહાજ મદદ માટે અપીલ કરી હતી, જેના જવાબમાં ઇન્ડિયન નેવીએ તુરંત કાર્યવાહી કરી હતી, આ જહાજના ક્રૂમાં 22 ભારતીયો હતા. માહિતી મુજબ જહાજ પર મિસાઈલ વડે હુમલો થયો હતો, ત્યાર બાદ તેમાં આગ લાગી ગઈ હતી.
મળતી માહિતી મુજબ શુક્રવારની રાત્રે માર્શલ આઇલેન્ડ્સ- ફ્લેગવાળા જહાજ એમવી માર્લિન લુઆન્ડા તરફથી મળેલા મદદ માટેના કોલને ધ્યાનમાં લઈને ભારતીય નૌકાદળે જહાજની મદદ માટે તેના યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમને રવાના કર્યું હતું.
નૌકાદળના પ્રવક્તાએ દિલ્હીમાં જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના ફાયર બ્રિગેડે એમવી માર્લિન લુઆન્ડાના ક્રૂ સાથે મળીને છ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓ દ્વારા જહાજ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોવામાં અહેવાલ છે.
લાલ સમુદ્ર તેમજ એડનની ખાડીમાં સુરક્ષાની સ્થિતિને અંગે વૈશ્વિક ચિંતાઓ વચ્ચે આ હુમલો થયો છે. આ જહાજનું સંચાલન બ્રિટિશ કંપની ઓશનિક્સ સર્વિસીસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. હુથિઓ ગયા વર્ષે નવેમ્બરથી લાલ સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી રહ્યા છે. તેઓ ગાઝામાં ઇઝરાયેલના લશ્કરી હુમલાના જવાબમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે.
MV માર્લિન લુઆન્ડા દ્વારા કરવામાં આવેલા ડિસ્ટ્રેસ કોલના જવાબમાં INS વિશાખાપટ્ટનમ સહાય પૂરી પાડવા માટે આગળ વધ્યું હતું. એક અમેરિકન અને ફ્રેન્ચ યુદ્ધ જહાજે પણ આ કોલનો જવાબ આપ્યો. નેવીએ કહ્યું કે INS વિશાખાપટ્ટનમની ફાયર ફાઇટીંગ ટીમ જેમાં 10 ભારતીય નૌકાદળના કર્મચારીઓનો સમાવેશ થાય છે, શનિવારની વહેલી સવારે અગ્નિશામક સાધનો સાથે એમવી માર્લિન લુઆન્ડા પર પહોંચી હતી.
અગાઉ, લાઇબેરિયન-ફ્લેગવાળા જહાજ એમવી કેમ પ્લુટોને ડ્રોન હુમલાથી બચાવ્યું હતું. આ જહાજમાં 21 ભારતીય ક્રૂ સભ્યો હતા, તેને 23 ડિસેમ્બરે ભારતના પશ્ચિમ કિનારે ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. એમવી કેમ પ્લુટો ઉપરાંત, અન્ય એક કોમર્શિયલ ઓઈલ ટેન્કર જે ભારત તરફ જઈ રહ્યું હતું તે જ દિવસે દક્ષિણ લાલ સમુદ્રમાં શંકાસ્પદ ડ્રોન હુમલાનો ભોગ બન્યું હતું. જહાજમાં 25 ભારતીયોનો ક્રૂ હતો.