નેશનલ

પુણેમાં ₹ ૧,૧૦૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત

પુણે: પુણેમાં રૂ. ૧,૧૦૦ કરોડની કિંમતનું ૬૦૦ કિલો મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ પકડી પાડીને પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. મીઠું અને રંગોળીની આડમાં ડ્રગ્સનો ગોરખધંધો ચાલતો હતો અને તપાસમાં મુંબઈના બે ડ્રગ્સ પેડલરનાં નામ સામે આવ્યાં છે.
પુણે ક્રાઇમ બ્રાન્ચે રવિવારે મીઠાના વેપારી સહિત ત્રણ જણની ધરપકડ કરીને રૂ. ૩.૮૫ કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું, જેને પાર્ટી ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આરોપીઓની ઓળખ વૈભવ ઉર્ફે પિંટ્યા ભરત માને (૩૦), અજય અમરનાથ કરોસિયા (૩૫) અને હૈદર નૂર શેખ (૪૦) તરીકે થઇ હતી. ત્રણેયની પૂછપરછમાં મળેલી માહિતીને આધારે પોલીસે વિશ્રાંતવાડી વિસ્તારમાં ભૈરવનગર ખાતે આવેલા ગોદામમાં રેઇડ પાડીને ૫૫ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસ ટીમે ત્યાર બાદ અન્ય ઓપરેશન હાથ ધરીને કુરકુંભ એમઆઇડીસી વિસ્તારમાંની એક ફેક્ટરીમાંથી ૫૫૦ કિલો એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું.
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને રૂ. ૧,૧૦૦ની કિંમતનું ૬૦૦ કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હૈદર શેખે વિશ્રાંતવાડીમાં ગોદામ ભાડે લીધું હતું અને ત્યાં મીઠું તથા રંગોળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. સફેદ સ્ફટિક જેવું દેખાતું એમડી ડ્રગ્સ નાની-નાની થેલીમાં ભરી રાખવામાં આવ્યું હતું. આ થેલીઓ મીઠાની મોટી ગૂણીમાં છુપાવવામાં આવી હતી. આવી અનેક ગૂણીમાં ડ્રગ્સનાં પેકેટ ભરી રખાયાં હતાં. આ પ્રકરણમાં મુંબઇના બે તસ્કર પોલ અને બ્રૂનાં નામ સામે આવ્યાં હતા, જેમની શોધ ચલાવાઇ રહી છે.
આરોપીઓ આ ડ્રગ્સ એજન્ટો મારફત દેશવિદેશમાં પહોંચાડવાના હતા. હૈદર શેખ ડ્રગ્સની તસ્કરી કરવા માટે મીઠાનો વેપાર કરતો હોવાનું બતાવતો હતો. આરોપીઓ હજી કોણ-કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને વિવિધ સ્થળે મોકલવામાં આવી છે. ડ્રગ્સના આ રેકેટમાં ડ્રગમાફિયા લલિત પાટીલની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે ગયા વર્ષે રૂ. ૩૦૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ ગુનાની તપાસમાં લલિત પાટીલનું નામ સામે આવ્યું હતું. લલિત પાટીલ પુણેની સરકારી હોસ્પિટલમાં પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયો હતો. જોકે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button