નેશનલ

મહિલાઓને પેઇડ પીરિયડ લીવ ન આપવી જોઈએ, જાણો સ્મૃતિ ઇરાનીએ આવું કેમ કહ્યું

નવી દિલ્હીઃ મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન પેઇડ લીવ આપવી જોઈએ કે નહીં તે અંગે વિશ્વભરમાં વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નથી. આ અઠવાડિયે સંસદના લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં આ અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ગઇ કાલે સંસદમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું મહિલાઓને પેઇડ પીરિયડ લીવ એટલે કે માસિક સ્રાવ દરમિયાન રજા મળવી જોઈએ કે નહીં. આ એક પ્રકારની રજા છે જ્યાં તમારો પગાર કાપવામાં આવતો નથી. મહિલા અને બાળ કલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને આ વિચારને ફગાવી દીધો છે. તેમણે કહ્યું છે કે સરકાર આવી કોઈ પેઇડ રજા વિશે વિચારી રહી નથી.


રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝાએ સંસદમાં પેઇડ પીરિયડ રજા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. મનોજ કુમાર ઝા રાષ્ટ્રીય જનતા દળના સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આક્રમકતા માટે જાણીતા છે. ભાજપ સાસંદ સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સભ્ય મનોજ કુમાર ઝા દ્વારા દેશમાં માસિક ધર્મની સ્વચ્છતા નીતિ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર તમામ કાર્યસ્થળો માટે ફરજિયાત માસિક રજાની જોગવાઈના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.


તેમણે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે માસિક્ સ્ત્રાવ એ મહિલાઓના જીવનનો એક ભાગ છે અને આપણે તેને વિકલાંગતા તરીકે ન જોવું જોઈએ. જો મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન રજા આપવામાં આવશે તો તેનાથી મહિલાઓ સાથે ભેદભાવ થશે. જો કે, સ્મૃતિ ઈરાનીએ માસિક ધર્મ અંગેની સ્વચ્છતાની ચર્ચાના મહત્વને સ્વીકાર્યું હતું. તેમણે એ પણ ચોખવટ કરી હતી કે કેટલીક મહિલાઓ/છોકરીઓને માસિક ધર્મ અંગે ફરિયાદો અથવા તો ગંભીર સમસ્યા હોય છે, પણ આવી છોકરીઓ અને સ્ત્રીની સંખ્યા ઘણી ઓછી છે. માસિક ધર્મ અંગેની મોટા ભાગની સમસ્યાઓ દવા દ્વારા નિયંત્રિત કરી શકાય છે.’

વધુમાં, સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ હિતધારકો સાથે પરામર્શ કરીને માસિક સ્વચ્છતા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર પહેલેથી જ 10-19 વર્ષની છોકરીઓમાં માસિક સ્રાવની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એક યોજના અમલમાં મૂકી રહ્યું છે.


માત્ર રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલી દરખાસ્તોના આધારે આ યોજનાના રાજ્ય કાર્યક્રમ અમલીકરણ યોજના માર્ગ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માસિક સ્રાવની સ્વચ્છતા વિશે જાગૃતિ વધારવાનો છે.

મનોજ ઝાએ એવો સવાલ પણ કર્યો હતો કે શું કેન્દ્ર સરકાર સેનિટરી નેપ્કીનમાં હાનિકારક કેમિકલના વપરાશને રોકવા માટે કોઇ પગલા લેવાનું વિચારે છે? આના જવાબમાં ઇરાનીએ જણાવ્યું હતુ ંકે આ સવાલ મેન્યુફેક્ચરિંગને લગતો છે., જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારક્ષેત્રમાં નથી આવતો. સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા સેનિટરી પેડ્સ માટે કોઇ ફરિયાદ મળી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button