ઈન્ડિયા બ્લોકના સભ્યો જ્ઞાતિના નામે ભડકાવે છે: મોદી

વિજેતાનું બહુમાન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આવેલી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ઈનામ વિતરણ સમારોહ દરમિયાન એવૉર્ડ મેળવનારા યુવાનને શાબાશી આપી હતી, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ તેને વધાવી લીધો હતો. (એજન્સી)
વારાણસી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષના ઈન્ડિયા બ્લોક પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ બ્લોકના સભ્યો લોકોને જ્ઞાતિના નામે ઉશ્કેરે છે અને તેમને લડવાની ફરજ પાડે છે. વિરોધ પક્ષના નેતાઓ દલિતો અને આદિવાસી લોકો ઊંચા હોદ્દા પર આવે એ સહન કરતા નથી. આ માટે તેમણે દ્રોપદી મુર્મૂએ લડેલી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનો દાખલો આપ્યો હતો.
સંત રેવાદાસની ૬૪૭મી જન્મજયંતી નિમિત્તે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં યોજાયેલા સમારોહમાં બોલતાં તેમણે કહ્યું હતું કે દરેક યુગમાં સંતોનો ઉપદેશ આપણને માર્ગ દેખાડે છે અને આપણને સજાગ કરે છે. આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિના નામે ભેદભાવ કરે છે તો માનવતાને હાનિ પહોંચે છે.
તેમણે કહ્યું હતું કે જો કોઈ બીજાઓને જ્ઞાતિના નામે ઉશ્કેરે છે તો તેનાથી માનવતાને નુકસાન પહોંચે છે. આથી ભાઈઓ અને બહેનો, દરેક દલિત અને પછાતોએ યાદ રાખવું પડશે કે ઈન્ડિ ગઠબંધન લોકોને જ્ઞાતિના નામે ઉશ્કેરે છે અને લડાવે છે. વિપક્ષો દલિતો અને વંચિતો માટેની
કલ્યાણકારી યોજનાઓનો વિરોધ કરે છે. વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે સત્ય એ છે કે આ લોકો જ્ઞાતિના કલ્યાણના નામે કુટુંબના સ્થાપિત હિતનું રાજકારણ ખેલે છે.
મોદીએ કહ્યું હતું કે શૌચાલય બાંધવાનું કામ શરૂ થયું ત્યારે તેઓએ વિરોધ કર્યો. તેઓએ જનધન ખાતાની ઠેકડી ઉડાવી અને ડિજિટલ ઈન્ડિયાનો વિરોધ કર્યો. આ પરિવારવાદી પક્ષોની બીજી પણ ઓળખાણ છે- તેઓ તેમના કુટુંબની બહારના દલિત કે આદિવાસીને આગળ વધતા જોઈ શકતા નથી. તેઓ દલિતો અને આદિવાસીઓ ટોચના હોદ્દા પર બિરાજમાન થાય એ સહન કરી શકતા નથી. તમને ખબર છે કે જ્યારે પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ચૂંટણી લડી ત્યારે આ લોકોએ તેમનો વિરોધ કર્યો અને તેમને હરાવવા સાથે થઈ ગયા. આ પરિવારવાદી પક્ષો દલિતો અને પછાત લોકોને તેમની મતબૅન્ક તરીકે જુએ છે. આપણે આવા લોકો અને માનસ સામે સાવધાન રહેવું જોઈએ. આપણે જ્ઞાતિવાદના નકારાત્મક માનસને ટાળવા રવિદાસના સકારાત્મક શિક્ષણનું અનુસરણ કરવું જોઈએ.
મોદીએ રવિદાસની સરાહના કરતાં કહ્યું હતું કે રવિદાસજી બધાના છે અને બધા રવિદાસજીના છે. તેમને જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે વિચારસરણીના વાડામાં વિભાજિત ન કરવા જોઈએ. (એજન્સી)