‘ડોનાલ્ડ ટ્રમ્પના ડરથી’ મહેસાણાનો યુવક નકલી પાસપોર્ટ પરત ફરતા દિલ્હી એરપોર્ટ પર ઝડપાયો

અમદાવાદ: અમેરિકાના મોહને સંતોષવા ગેરકાયદે ડંકી રૂટનો સહારો લઈને અમેરિકા પહોંચેલા બાદ અમેરિકાએ આકરી કાર્યવાહી કરી હતી અને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જો કે તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે જેમાં મહેસાણાના જગુદણ ગામના એક 40 વર્ષીય યુવકે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહીને પોતાનું ગુજરાન ચલાવ્યું પરંતુ અમેરિકન સરકારની આકરી નીતિથી ડરીને નકલી પાસપોર્ટ દ્વારા ભારત પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેનો દાવ ઊંધો પડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, મહેસાણાના જગુદણ ગામના એક 40 વર્ષીય યુવકે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું, પરંતુ અમેરિકન સરકારની કડક કાર્યવાહીથી ડરીને નકલી પાસપોર્ટ વડે ભારત પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તે પકડાઈ ગયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ યુવક ઓક્ટોબર 2018માં કાયદેસરના પાસપોર્ટ પર વિયેતનામ ગયો હતો. ત્યાંથી તેણે ગેરકાયદેસર રીતે ડન્કી રૂટનો ઉપયોગ કરીને અમેરિકા પહોંચ્યો હતો. આ યાત્રામાં તેને 15 મહિનાનો સમય લાગ્યો હતો અને અમેરિકાના એટલાન્ટામાં તે દસ્તાવેજો વગર રહેતો હતો અને મોટેલ તથા પેટ્રોલ પંપ પર નાના-મોટા કામ કરીને ગુજરાન ચલાવતો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓ પરની કડક કાર્યવાહીથી તે ડરી ગયો હતો. તેને લાગ્યું કે કાયદેસર રીતે પાછા ફરવું શક્ય નથી, તેથી તેણે નકલી પાસપોર્ટ બનાવીને વતન પરત ફરવાની યોજના ઘડી હતી. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ભારત પરત ફરવા માટે તેણે હિમાચલ પ્રદેશના રહેવાસીના નામે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.
આ નકલી પાસપોર્ટ 2020માં એટલાન્ટામાં બનાવવામાં આવ્યો હતો અને તે પાસપોર્ટ લઈને તે ભારત પરત ફર્યો હતો ત્યારે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તે પકડાઈ ગયો હતો. તપાસ બાદ પોલીસને જાણ થઈ કે આ પાસપોર્ટ નકલી છે. અધિકારીઓએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પના કડક કાયદાઓને કારણે ઘણા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ, આવા આકરા પગલાં ભરવા મજબૂર થયા છે.