નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહેબૂબા મુફતી અનંતનાગથી લડશે, ગુલામ નબી આઝાદ સાથે સીધો સામનો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ગુપકાર ગઠબંધન હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. 2019માં બનેલા ગુપકાર ગઠબંધનના બે મુખ્ય પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ લોકસભાની ત્રણ-ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ નિર્ણય લીધો છે કે પાર્ટીના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતી અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અહીં ઉલ્લેખનીય છે કે 2019માં વિપક્ષીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો સામનો કરવા માટે ગુપકાર અલાયન્સની સ્થાપના કરવામાં આવી હતી.

મહેબૂબા મુફતી આ પહેલાં પણ અનંતનાગ મતવિસ્તારમાંથી સાંસદ રહી ચૂક્યા છે. જમ્મુ અને કાશ્મીરના અન્ય એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ અનંતનાગ લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે અને ફરી ચૂંટણી લડી રહ્યા છે. PDPએ યુવા નેતા મોહમ્મદ હમદ વહીદ પારાને શ્રીનગરથી અને બારામુલ્લાથી બયાઝ અહેમદ ભટ્ટને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. નેશનલ કોન્ફરન્સે (NC) મિયાં અલ્તાફને અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે.

નેશનલ કોન્ફરન્સને તાકાત દેખાડશું: મુફતી
મહેબૂબા મુફતીએ કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સે તેમની સલાહ લીધા વગર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આનાથી PDPના કાર્યકરો ખાસ્સા નારાજ છે. આ જ કારણે અમે અમારી તાકાત નેશનલ કોન્ફરન્સને દેખાડી દઈશું. મહેબૂબા મુફતીએ અનંતનાગ-રાજૌરી પૂંછના લોકોને એવી અપીલ કરી હતી કે PDPને મજબૂત કરો અને લોકસભામાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની તક આપો.

PDPએ ત્રણ બેઠકો પર ઉમેદવારો આપ્યા
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ રવિવારે કશ્મીર ખીણની ત્રણ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. PDP સંસદીય બોર્ડના વડા સરતાજ મદનીએ જણાવ્યું હતું કે પાર્ટીની યુવા શાખાના અધ્યક્ષ વહીદ પારા શ્રીનગરથી ચૂંટણી લડશે અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય મીર ફૈયાઝ બારામુલાથી ચૂંટણી લડશે. મહેબૂબા મુફતી અને સરતાજ મદનીએ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે PDP જમ્મુની બે સીટો ઉધમપુર અને જમ્મુ પર કોંગ્રેસને સમર્થન આપશે.

મહેબૂબાએ અબ્દુલ્લાની ટીકા કરી
મહેબૂબાએ એમ પણ કહ્યું હતું કે તેઓએ (નેશનલ કોન્ફરન્સ) અમારી સામે ઉમેદવાર ઊભો રાખીને ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નથી. તેમણે કહ્યું કે જ્યારે મુંબઈમાં ઈન્ડિયા બ્લોકની બેઠક થઈ હતી ત્યારે મેં ત્યાં જ કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા અમારા જ્યેષ્ઠ નેતા છે, તેઓ સીટ વહેંચણી અંગે નિર્ણય લેશે અને ન્યાય કરશે. મને આશા હતી કે તેઓ પોતાની પાર્ટીના હિતોને એક તરફ રાખીને નિષ્પક્ષ નિર્ણય લેશે.

લોકો સમજી વિચારીને મતદાન કરે: અબ્દુલ્લા
અબ્દુલ્લાએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં લોકો સમજી વિચારીને મતદાન કરશે. તેમણે કહ્યું હતું કે 370 હટાવવા અંગે નિર્ણય મતદારોએ લેવાનો છે, જે રીતે અમને દગો આપવામાં આવ્યો અને અપમાનિત કરવામાં આવ્યા તે અંગે બીજી કોઈ રીતે નહીં તો કમ સે કમ વોટ દ્વારા અવાજ ઉઠાવવો જોઈએ. આ શ્રીનગરના મતદારો માટે એક મોટી તક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button