સંસદમાં સુરક્ષાભંગની ઘટના બાદ તંત્ર એલર્ટ મોડમાં, મેઘાલયના સીએમને પ્રવેશતા અટકાવાયા
નવી દિલ્હી: સંસદમાં સુરક્ષા ઉલ્લંઘનની ઘટના બની એ પછી આજે એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું. સંસદ ભવનની અંદર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી નાખવામાં આવી છે. પોલીસ અને સાંસદના સુરક્ષાકર્મીઓ યોગ્ય તપાસ વગર કોઇને પણ અંદર જવાની મનાઇ કરી રહ્યા છે, તે પણ એટલે સુધી કે મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાને પણ અંદર જવા દેવાની ના પાડી દેવાઇ, છેવટે તેઓ અન્ય દ્વારથી અંદર જઇ શક્યા.
આ ઉપરાંત સંસદ પરિસરથી કેટલાક મીટર દૂર રસ્તા પર બેરીકેડ્સ મુકી દેવામાં આવ્યા હતા. સાંસદોના વાહનચાલકોને પણ પૂછપરછ કરીને તેમજ ઓળખપત્ર વગર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સંસદનું રિપોર્ટિંગ કરી રહેલા મીડિયાકર્મીઓને તેમના ઓળખપત્રો ચકાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. લગભગ પ્રવેશનાર દરેક વ્યક્તિને પગરખા કાઢીને પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું કેટલાક મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. ગઇકાલે સંસદભવનમાં સુરક્ષાભંગની ઘટના બાદ મકર દ્વારથી પ્રવેશ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે મીડિયાકર્મીઓને જૂના સંસદભવનના ગેટ-નં-12 પાસે મોકલી દેવામાં આવ્યા છે.
ગઇકાલે ચાલુ સત્રમાં એક યુવક અને યુવતી દર્શક ગેલેરીથી બહાર કૂદીને અરાજકતા ફેલાવવાના હેતુથી ગૃહમાં સાંસદો વચ્ચે ઘુસી આવ્યા હતા. ત્યારબાદ તેમને સાંસદોએ રોકવાનો પ્રયાસ કરતા તેમણે પોતાની પાસે એક ડબ્બા જેવા સાધનમાંથી પીળો ધુમાડાનો છંટકાવ કર્યો હતો. જો કે પોલીસ અને સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક પગલા લઇ તેમની ધરપકડ કરી લીધી હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એક બેઠક બોલાવી તમામ સાંસદોને ચિંતાનું કારણ નહિ હોવાનું તેમજ પીળા ધુમાડો હાનિકારક નહિ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટના માટે જવાબદાર 7 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ હજુપણ તપાસ કરી રહી છે, આગળની કાર્યવાહીમાં વધુ લોકો સામે પગલા લેવાઇ શકે છે.