બ્રાઝિલમાં પીએમ મોદી અને ઇટલીના વડાપ્રધાન Giorgia Meloni વચ્ચે બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
રિયો ડી જાનેરો : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતે છે. ત્યારે તેમણે સોમવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ દરમિયાન ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની(Giorgia Meloni)સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ દેશોના સંબંધોને મજબૂત કરવા સહિત વેપાર,રોકાણ અને ટેક્નોલોજીમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઈટલી વચ્ચેની મિત્રતા મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું
આ બેઠક બાદ પીએમ મોદીએ મીટિંગની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમણે લખ્યું,” રીયો ડી જાનેરો જી20 સમિટના અવસર પર ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળીને આનંદ થયો. આ બેઠક દરમિયાન સંરક્ષણ ક્ષેત્ર, વ્યાપાર વિકાસ અને ટેક્નોલોજીના પ્રમોશન પર ચર્ચા કરવામાં આવી હતી. અમે સંસ્કૃતિ, શિક્ષણ અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાના મુદ્દા પર પણ ચર્ચા કરી. ભારત-ઇટલી મિત્રતા વધુ સારા વિશ્વના નિર્માણમાં મોટો ફાળો આપી શકે છે.”
નોર્વે અને પોર્ટુગલના નેતાઓ સાથે બેઠક કરી
આ સિવાય રિયો ડી જાનેરોમાં 19મી G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. આ પહેલા પીએમ મોદીએ બ્રાઝિલમાં જી-20 નેતાઓની સમિટ દરમિયાન ઈન્ડોનેશિયા અને પોર્ટુગલના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમની ચર્ચામાં પીએમ મોદીએ વાણિજ્ય અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં બંને દેશો સાથે સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
પીએમ મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોને અભિનંદન પાઠવ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને ભારત-ઈન્ડોનેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવાની ખાતરી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, “ભારત-ઇન્ડોનેશિયા: ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધોના 75 વર્ષની ઉજવણી! PM નરેન્દ્ર મોદી G20 બ્રાઝિલ સમિટમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને મળ્યા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવોને અભિનંદન પાઠવ્યા અને તેમને ભારત-ઇન્ડોનેશિયાના વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની ખાતરી આપી.