રાજસ્થાનમાં એમડી બનાવવાનું કારખાનું, પકડાયું: 100 કરોડનું ડ્રગ્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સાકીનાકા પોલીસે રાજસ્થાનમાં ધમધમતા મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કરી અંદાજે 100 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હોઈ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં લિક્વિડ એમડી મોટા પ્રમાણમાં હોવાનું પોલીસનું કહેવું છે.
સાકીનાકા પોલીસના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં બે આરોપી સરફરાઝ શેખ (22) અને માજિદ શેખ (44)ને પકડી પાડવામાં આવ્યા હતા. સાકીનાકામાં ડ્રગ્સ વેચવા કેટલાક શખસ આવવાના હોવાની માહિતીને આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. તે સમયે બન્ને આરોપી પાસેથી અંદાજે 3.35 કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું.
પકડાયેલા બન્ને આરોપીની પૂછપરછ પછી પોલીસે અબ્દુલ શેખ (44)ની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સરફરાઝના મોબાઈલના સીડીઆર મગાવવામાં આવ્યા હતા. સીડીઆરની તપાસમાં તે પુણેના પ્રશાંતના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પ્રશાંતને તાબામાં લઈ પૂછપરછ કરતાં રાજસ્થાનમાં એમડી બનાવવાના કારખાનાની વિગતો મળી હતી.
મળેલી માહિતીને આધારે સાકીનાકા પોલીસની ટીમ રાજસ્થાનના જોધપુર શહેરમાં પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મોગરા ખુર્દ ખાતેના કારખાના પર કાર્યવાહી કરી હતી. કારખાનું ચલાવતા શખસને પૂછપરછ માટે તાબામાં લેવાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કારખાનામાંથી 101.25 કરોડ રૂપિયાનું લિક્વિડ એમડી અને એમડી પાઉડર જપ્ત કરવામાં આવ્યો હતો. એ સિવાય કારખાનામાંથી ડ્રગ્સ બનાવવાનાં સાધનો પણ હસ્તગત કરાયાં હતાં.