લખનઊઃ બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશ રાજ્યની પૂર્વ સીએમ માયાવતીનો આજે જન્મદિવસ છે. આ અવસરને યાદગાર બનાવવા માયાવતીએ સોમવારે મોલ એવેન્યુ સ્થિત તેમની ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. માયાવતીએ જન્મદિવસના અવસર પર મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ કોઇ સાથે ગઠબંધન નહીં કરે. જ્યારે પણ બસપા ગઠબંધન કરે છે ત્યારે તેને હંમેશા નુકસાન થાય છે, તેથી તેઓ એકલા હાથે ચૂંટણી લડશે. આ ઉપરાંત તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવૃત્તિના સમાચાર માત્ર અફવા છે. આકાશ આનંદ તેમના અનુગામી છે. માયાવતીએ સપા પ્રમુખ અખિલેશ યાદવને કાંચીડાની જેમ રંગ બદલતા હોવાનું ગણાવ્યા હતા. માયાવતીએ તેમના જીવન પર લખાયેલ પુસ્તક બ્લુ બુકનું વિમોચન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બસપાના નેતાઓ અને અધિકારીઓએ ષડયંત્રોથી સાવધાન રહેવું જોઈએ.
તેમણે મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકોને મફતમાં ગુલામ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે તેમણે યુપીમાં ચાર વખત સરકાર બનાવી અને તમામ વર્ગો માટે કામ કર્યું. તેમણે શ્રમજીવી લોકો માટે વિશેષ યોજનાઓ શરૂ કરી હતી. તેમની સરકારે લઘુમતીઓ, દલિતો અને ગરીબો માટે કામ કર્યું છે. ભાજપ સરકાર રોજગાર આપવાને બદલે લોકોને મફત રાશન આપીને નિરાધાર બનાવી રહી છે. માયાવતીએ કહ્યું હતું કે આજે દરેક જગ્યાએ ખાસ કરીને સત્તાધારી પાર્ટી માત્ર ધર્મની રાજનીતિ કરી રહી છે. જેના કારણે લોકશાહી નબળી પડી રહી છે.
માયાવતીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે ઈવીએમમાં ઘણી ગરબડ થઈ રહી છે, તેથી બસપાને નુકસાન થઈ રહ્યું છે. ઈવીએમમાં છેડછાડને લઈને અવાજો ઉઠવા લાગ્યા છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં ઈવીએમ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
રામ મંદિરના આમંત્રણ પર બસપાના વડાએ જણાવ્યું હતું કે તેમને આમંત્રણ મળ્યું છે, પરંતુ તેઓ પક્ષના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી તેમણે જવાનો કોઈ નિર્ણય લીધો નથી. જોકે, રામ મંદિર વિશે તેમને કે તેમના પક્ષને કોઈ વાંધો નથી.
Taboola Feed